અબડાસા તાલુકાના નાગોર ગામને તંત્રએ ત્વરીત કામગીરી કરીને ડૂબતું બચાવ્યું
ભારે વરસાદના પગલે ઉપરવાસથી આવતું પાણી ગામમાં ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા તત્કાલ પાણીનો પ્રવાહ અન્યત્ર વાળવાની કામગીરી કરાઇ : ગામના ૫૦૦ નાગરીકોને તારાજીથી બચાવાયા
અબડાસા તાલુકાના ૫૦૦ નાગરીકોની વસતી ધરાવતા અને નીચાણવાળા વિસ્તારમાં આવેલા નાગોર ગામને તંત્રે તત્કાલ કામગીરી કરીને ડુબમાં જતું બચાવ્યું હતું. ઉપરવાસથી આવતા પાણીના કારણે ગામમાં તારાજી થવાની સંભાવના વચ્ચે સક્રિયતાપૂર્વક પંચાયતના પદાધિકારીઓ અને તંત્રે મળીને પાણીના પ્રવાહને અન્યત્ર વાળવાની સફળ કામગીરી કરતા મોટી દુર્ધટના ટાળી શકાઇ હતી.
આ અંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.સી.ભટ્ટે જણાવ્યું હતું કે, અબડાસા તાલુકાના ગઢવાડા ગામે છેલ્લા સાત દિવસથી સતત વરસતા વરસાદના કારણે ઉપરવાસથી ખૂબ જ પાણીનો પ્રવાહ આવી રહ્યો હતો. જેના કારણે ગઢવાડા વચ્ચેથી પસાર થતાં વોકળામાં મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યા હતા.
આ પાણીનો પ્રવાહ આગળ જતાં ૫૦૦ નાગરિકોની વસતી ધરાવતા અને નીચાણવાળા વિસ્તારમાં વસેલા નાગોર ગામ તરફ વળે છે. જેના કારણે ગામમાં પાણી ભરાઇ જવાના લીધે તારાજી થાય તેવી સંભાવના સર્જાતા ગામના સરપંચ હલીમાબાઇ મામદ,
સીધીક અબ્દુલા હિંગોરા તેમજ તલાટીશ્રી દ્વારા તત્કાલ સ્થળ પર ધસી જઇને ગામ અગ્રણીઓની મદદથી જેસીબી અને ટ્રેકટર વડે ચાલુ વરસાદે રસ્તાનું સમારકામ કરીને પાણીના પ્રવાહને નાગોર તરફ જતો રોકીને બીટીયારી વિસ્તાર તરફ વાળવામાં આવ્યો હતો. આમ, તંત્રની સમયસુચકના લીધે નાગોર ગામમાં મોટી જાનહાની અને તારાજીને ટાળી શકાઇ હતી.