સેલવાસમાં આત્મવિલોપનની ઘટનાના પીડિત પરિવાર સાથે અભિનવ ડેલકરે મુલાકાત કરી

(પ્રતિનિધિ)સેલવાસ. સેલવાસ શહેરના દયાત ફળિયામાં બે દિવસ અગાઉ વહીવટી તંત્ર દ્વારા ઘર તોડવાની ઘટનામાં શરીર પર પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરવા જતાં ગંભીર રીતે દાઝી ગયેલા જયતિભાઈ અને તેઓના પરિવાર સાથે અભિનવ ડેલકરે મુલાકાત કરી હતી. સૌપ્રથમ વી.બી.સી.એચ. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જયતિભાઈની ખબર લીધી અને તપાસ કરી રહેલા ડૉક્ટર પાસેથી સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી ત્યારબાદ પોતાની ટીમ સાથે જયંતિભાઈના પરિવારને સ્થળ પર મળવા માટે ગયા હતાં.
અભિનવ ડેલકરે આ ઘટના પર જણાવ્યું છે કે, આ ઘટના બની ત્યારે હું મારી માતા સાંસદ કલાબેન ડેલકર સાથે પ્રદેશની બહાર હતાં આજે અહીં આવીને હું તાત્કાલિક પીડિત પરિવારને મળવા આવ્યો છું.
પ્રદેશમાં આવી દર્દનાક ઘટના પહેલી વાર ઘટી છે જે ખુબજ દુઃખદ કહી શકાય તેમ છે. આ ઘટના પ્રશાસન અને જનપ્રતિનિધિઓ વચ્ચેના તાલમેલના અભાવે ઘટી હોવાનું લાગી રહ્યું છે. પ્રદેશનો વિકાસ થાય તે ખૂબ જરૂરી છે પરંતુ કોઈ ગરીબ અને લાચારનો જીવજ જાેખમમાં મુકાય જાય તેવું ન થવું જાેઈએ.ભવિષ્યમાં આવી કોઈ દુઃખદ ઘટના ન ઘટે તે માટે પ્રશાસન દ્વારા એક પ્રકારની સારી અને સુચારુ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી લાગણી અભિનવ ડેલકરે વ્યક્ત કરી છે. આ પીડિત પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ખુલ્લા આકાશમાં જીવન ગુજારી રહ્યાં છે તેઓને તાત્કાલિક છત મળવી જાેઈએ.