પ્રેમી સાથે ભાગ્યા બાદ સગર્ભા પીડિતાને ગર્ભપાતની મંજૂરી
અમદાવાદ, પ્રેમી સાથે મરજીથી ભાગ્યા બાદ સગર્ભા થયેલી પીડિતાના ૧૭ સપ્તાહના ગર્ભના ગર્ભપાતની હાઇકોર્ટે મંજૂરી આપી છે. જસ્ટિસ નિર્ઝર દેસાઇએ આદેશમાં નોંધ્યું છે કે,‘આ કેસના તમામ પાસાની ચકાસણી ઉપરાંત તબીબોના અભિપ્રાયને ધ્યાનમાં લેવામાં આવ્યો છે.
આ અભિપ્રાયમાં જણાવવામાં આવ્યું છે કે પીડિતાનું ગર્ભ ૨૦ સપ્તાહથી વધુનું નથી અને તેથી તેને કોઇ પણ પ્રકારનું જોખમ નથી. એટલું જ નહીં સગીરા રેપ પીડિતા હોઇ તેને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે છે.’
આ સાથે જ હાઇકોર્ટે ગોત્રી જનરલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોને આદેશ કર્યો છે કે તબીબી ધારાધોરણનો અમલ કરી પીડિતાની ગર્ભપાતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. સામાન્ય રીતે રેપ પીડિતાઓના ગર્ભપાતના કેસ હાઇકોર્ટ સમક્ષ આવતાં હોય છે કેમ કે એ એક પ્રકારના મેડિકો લિગલ કેસ બની જતાં હોય છે.
જો કે આ એક અજીબ કેસ હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. જેમાં સગીરા તરફથી થયેલી અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે તેના પ્રેમી સાથે પોતાની મરજીથી ભાગીને ગઇ હતી. ત્યારબાદ તે સગર્ભા થઇ છે અને હવે તેને ગર્ભપાત કરાવવું છે. જે માટે તેના માતા અને પિતા તરફથી પણ સમંતિ આપવામાં આવેલી છે.
આ રિટમાં હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે પીડિતા સાવ નાની વયની ના કહેવાય, કેમ કે તે ૧૭ વર્ષની છે. ઊલટાનું ખુદ પોતાની મરજીથી તે પ્રેમી જોડે જતી રહી હતી.
હવે શા માટે તે ગર્ભપાતની મંજૂરી માંગી રહી છે. દરેક કેસમાં ગર્ભપાતની મંજૂરી આપવી જરૂરી હોતી નથી. શું તેને ઘરેથી ભાગતાં પહેલાં પરિણામો વિશે કંઇ ખબર નહોતી. અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે પીડિતા પ્રેમી સાથે મરજીથી ભાગી હતી અને એ સત્યનો ઇનકાર કરતી નથી.
પરંતુ હાલ તેને ગર્ભપાત કરાવવો છે અને કોર્ટ તેને ઇનકાર કરી શકે નહીં. ત્યારે હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે તમે બધું તમારી મરજીથી કર્યું છે અને તો પછી શા માટે હાઇકોર્ટે તમને ગર્ભપાતની મંજૂરી આપે. તમારે જે પણ યુવક છે એ્ને લગ્ન કરવા માટે મનાવવો જોઇએ. ત્યારબાદ આ કેસમાં હાઇકોર્ટે પીડિતાની તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.SS1MS