“વૃક્ષ રથ” થકી નર્મદા જિલ્લામાં વિનામૂલ્યે ૪ લાખ જેટલા રોપા વિતરણ કરાયું
ગામ, જિલ્લો, રાજ્ય અને દેશને હરિયાળા બનાવવાની નેમ સાથે “વંદે ગુજરાત વિકાસ યાત્રા”માં વન વિભાગના સમાજિક વનીકરણ વિભાગ દ્વારા “વૃક્ષ રથ”નું ગામે ગામ ભ્રમણ
વંદે વિકાસયાત્રા દરમિયાન મહાનુભાવોના હસ્તે દરેક શાળામાં સરગવાના ૧૦-૧૦ રોપાઓનું થઇ રહેલું વૃક્ષારોપણ
વિવિધ સ્થળોએ કાર્યક્રમમાં આવતા મહેમાનોના સ્વાગતમાં પુષ્પગુચ્છ નહીં પણ ઔષધિય વનસ્પતિના રોપા આપી પ્રકૃતિ બચાવવાના સ્તુત્ય પ્રયાસને મળ્યો ભવ્ય પ્રતિસાદ
રાજપીપલા, “આઝાદી કા અમૃત મહોત્સવ” અને ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસયાત્રાના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ગામેગામ ભ્રમણ કરી રહેલી “વંદે ગુજરાત વિકાસયાત્રા” ની સાથે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ “વૃક્ષ રથ” રવાના કરવામાં આવ્યો છે. જે વિકાસરથની સાથે ગામડાઓમાં ફરી રહ્યો છે.
નર્મદા જિલ્લો પ્રકૃતિની અનેક સંપદાઓથી આચ્છાદિત હોવાની સાથે હરિયાળો તો છે જ, પરંતુ તેને વધુ હરિયાળો બનાવી રાજ્ય અને દેશમાં હરિયાળી ક્રાંતિને બળ પુરૂં પાડવા આ રથ દ્વારા તમામ ગામના લોકોને અંદાજે ૪ લાખ જેટલા રોપાના નિઃ શુલ્ક વિતરણના કરાયેલા આયોજન હેઠળ ગામેગામ રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રોપાને યોગ્ય જગ્યાએ રોપી તેનું જતન કરવા માટે પણ વનવિભાગ દ્વારા લોકોને સમજણ આપવામાં આવી રહી છે.
નર્મદા જિલ્લા પંચાયતની બેઠકોમાં સમાવિષ્ટ ગામોમાં થઈ રહેલા કાર્યક્રમ સાથે તમામ ગામોમાંથી આ વૃક્ષ રથ પસાર થઈ રહ્યો છે. ત્યારે વન વિભાગના સ્થાનિક કક્ષાના કર્મયોગીઓ કાર્યક્રમમાં હાજરી આપી સામાજિક વનીકરણ દ્વારા ચાલતી સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણની યોજનાઓ અંગેની માહિતી પણ આપી રહ્યા છે.
માધ્યમો સાથેના સંવાદમાં નાયબ વન સંરક્ષકશ્રી એમ.એસ.પટેલે જણાવ્યું હતું કે, નર્મદા સામાજીક વનીકરણ વન વિભાગ દ્વારા જ્યારે ગુજરાત સરકાર ૨૦ વર્ષના કાર્યક્રમોમાં જે સફળતા મળી છે તેને લોકો સમક્ષ વંદે ગુજરાત વિકાસયાત્રાથી લઇ જઇ રહી છે,
ત્યારે તેની સાથોસાથ ગુજરાત રાજ્ય સામાજીક વનીકરણ વિભાગ દ્વારા મળેલ સૂચના મુજબ દરેક જગ્યાએ મહાનુભાવોને સાદા રોપાથી નહીં પરંતુ તુલસીના ઔષધીય રોપાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તદઉપરાંત મહાનુભાવોના હસ્તે દરેક શાળામાં ૧૦-૧૦ સરગવાના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓમાં આ “વૃક્ષ રથ” મારફત નર્મદા સામાજી વનીકરણ વિભાગ દ્વારા વિના મૂલ્યે રોપાનું વિતરણ કરી રહ્યું છે, જેનો ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અને લોકો તેનો લાભ લઇ વૃક્ષારોપણ કરી રહ્યાં છે.
અને ચાલુ “વંદે ગુજરાત વિકાસયાત્રા” દરમિયાન આ સામાજીક વનીકરણ વન વિભાગ દ્વારા અંદાજે ૪ લાખ કરતા પણ વધુ રોપા વિના મૂલ્યે વિતરણ કરવાનું આયોજનમાં દરેક રેન્જનો એક-એક “વૃક્ષ રથ” આ કાર્યમાં સંકળાયેલો છે.