રાજ્યસભા સચિવાલયના 50 જેટલા અધિકારીઓ ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે

રાજ્યસભા સચિવાલયના ડાયરેકટરશ્રી પી.નારાયણના નેતૃત્વ હેઠળની ટીમે લીધી ગુજરાત વિધાનસભાની મુલાકાત
રાજ્યસભાના ડાયરેક્ટર શ્રી પી.નારાયણના નેતૃત્વ હેઠળ ૫૦ જેટલા અધિકારીઓ ગુજરાતના ચાર દિવસીય અભ્યાસ પ્રવાસે આવેલ છે. પ્રવાસના પ્રથમ દિવસ ૧૮મી જૂનના રોજ રાજ્યસભાની ટીમે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી અને તેઓએ ગુજરાત વિધાનસભા ખાતે વિવિધ સ્થળોની મુલાકાત કરી વિધાનસભાની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ગુજરાત વિધાનસભાના ઈન્ચાર્જ સચિવ શ્રી ચેતન પંડ્યાએ રાજ્યસભાના ડાયરેકટર પી.નારાયણ અને તેમની સમગ્ર ટીમનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના વન નેશન વન એપ્લિકેશનના વિઝન અંતર્ગત ભારત સરકારના પેપર લેસ ઍસેમ્બલી પ્રોજેક્ટને ગયા વર્ષે રાજ્ય સરકારે અપનાવી અને તેમાં સફળતા પણ પ્રાપ્ત કરી છે અને તાજેતરમાં યોજાયેલ વિધાનસભાના સત્રો પણ “નેવા” એપ્લીકેશન દ્વારા તમામ સભ્યોએ સહભાગી બની પરામર્શ કર્યો હતો.
રાજ્યસભા અને વિધાનસભાના અધિકારીઓએ રાજ્યસભા અને વિધાનસભાની કામગીરી અંગે સવિસ્તૃત પરામર્શ કરી માહિતી મેળવી હતી. સાથોસાથ ટેકનોલોજી સાથે આવનારા સમયમાં કેવી રીતે ગુજરાત અને કેન્દ્ર સરકાર કામ કરશે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ સંવાદ કાર્યક્રમમાં વિધાનસભાના ઈન્ચાર્જ સચિવશ્રી ચેતન પંડ્યા, રાજ્યસભાના ડાયરેક્ટર શ્રી પી.નારાયણ, એડીશનલ ડાયરેક્ટર શ્રી કે.જી.ગ્રામપુરોહિત, વિધાનસભાના જોઈન્ટ સેક્રેટરી શ્રીમતિ રીટા મહેતા, નાયબ સચિવ સર્વ શ્રીમતિ કવિતા પંચોલી, શ્રી એમ.એચ.કરંગીયા, શ્રી એચ.ટી.પટેલ, શ્રી ડી.એ.ચૌધરી સહિતના રાજ્યસભા અને વિધાનસભાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના અધિકારીઓનું આ પ્રતિનિધિ મંડળ ગુજરાતના ચાર દિવસીય પ્રવાસે છે. જેમાં તા. ૧૯મી, જૂનના રોજ અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમ, રીવરફ્રન્ટ, હેરીટેજ અમદાવાદ સિટીની મુલાકાત લેશે. જયારે તા.૨૦મી જૂનના રોજ એકતા નગર કેવડીયાની મુલાકાત લેશે.
કેવડીયા ખાતે જંગલ સફારી, ડેમ સાઈટ, આરોગ્ય વન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રોજેક્શન મેપિંગ શો, આરોગ્ય વન અને ગ્લો ગાર્ડન જેવા અનેક સ્થળોની મુલાકાત લેશે અને તા.૨૧મી જૂનના રોજ કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન એકતા નર્સરી, એકતા ક્રુઝની મુલાકાત લઈને સમગ્ર ટીમ પરત દિલ્લી જવા રવાના થશે.