પાંચ કરોડથી વધુના ટર્ન ઓવર માટે GST ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત
નવી દિલ્હી, પાંચ વર્ષના કાર્યકાળમાં અનેક ફેરફારો છતા હજી પણ જીએસટીના સરળ અમલીકરણ અને ત્રુટીઓ દૂર કરવા માટે સરકારે અનેક પ્રયાસો કરવા પડી રહ્યાં છે.
હવે સરકાર જીએસટીમાં વધુ એક મોટો ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. આ અંતર્ગત ૫ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે જીએસટી ઈ-ઈનવોઈસિંગ કરવું ફરજિયાત બનાવવામાં આવશે.
અહેવાલ અનુસાર જીએસટી અધિકારીઓનું કહેવું છે કે સરકાર જીએસટીના અમલીકરણને સરળ બનાવવા અને કરચોરીને રોકવા માટે ઈ-ઈનવોઈસિંગનો વ્યાપ વધારવા જઈ રહી છે.
હાલમાં માત્ર ૨૦ કરોડ કે તેથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે જ ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત છે. જીએસટી નેટવર્ક (જીએસટીએન) સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ ઘટાડો બે તબક્કામાં કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં ૧૦ કરોડ કે તેથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત બનાવવામાં આવશે. પછી આ થ્રેશોલ્ડ ઘટાડીને વાર્ષિક રૂ. ૫ કરોડ કરવામાં આવશે.
નોંધનીય છે કે ૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સરકારે ૫૦૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે આ ફરજિયાત કર્યું હતું. આ પછી, ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ તે ઘટાડીને ૧૦૦ કરોડ કરવામાં આવ્યું,
જ્યારે ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ તેને ફરીથી ૫૦ કરોડ ટર્નઓવર નક્કી કરવામાં આવ્યું છે. ૧ એપ્રિલ, ૨૦૨૨ના રોજ તેનું કાર્યક્ષેત્ર ફરીથી ઘટાડીને ૨૦ કરોડ ટર્નઓવર કરવામાં આવ્યું.
સરકારી અધિકારીએ કહ્યું કે નવી સિસ્ટમ આગામી ત્રણથી ચાર મહિનામાં લાગુ કરવામાં આવશે. તમામ કંપનીઓ અને ઉદ્યોગપતિઓએ ઇનપુટ ટેક્સો ક્રેડિટ (આઈટીસી)નો દાવો કરવા માટે તેમની આંતરિક સિસ્ટમ અથવા બિલિંગ સોફ્ટવેર પર ઇન્વોઇસ જનરેટ કરવાનું રહેશે અને ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર તેની જાણ કરવી પડશે.
જીએસટીએન મુજબ હાલમાં ૨૦ કરોડથી ૫૦ કરોડની વચ્ચેના ટર્નઓવરવાળા ૨.૧૯ લાખ જીએસટી આઇડેન્ટિફિકેશન નંબર્સ (જીએસટીઈન) છે, જેમાંથી માત્ર ૧.૫૩ લાખ જ ઈન્વોઈસ જનરેટ કરે છે.
એ જ રીતે ૫૦થી ૧૦૦ કરોડના ટર્નઓવરમાં ૮૬,૯૬૩ જીએસટીઈન છે, જેમાંથી માત્ર ૪૮,૨૧૭ ઈન્વોઈસ જનરેટ કરે છે.
સરકારનું કહેવું છે કે જીએસટી ઇન્વોઇસની મર્યાદા ઘટાડવાથી કરચોરી રોકવામાં મદદ મળશે.
ઉપરાંત ખરીદદારોને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે. તેમના માટે આઈટીસી ક્લેમ કરવાનું સરળ બનશે અને તેની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂરી થઈ જશે આનો અર્થ એ થયો કે ઓછા ટર્નઓવર પર ઈ-ઈનવોઈસનો અમલ વેપાર અને સરકાર બંને માટે નફાકારક સોદો સાબિત થશે.SS3KP