ABP અસ્મિતા ન્યૂઝ ચેનલ દ્વારા ‘અસ્મિતા સન્માન પુરસ્કાર 2023’ યોજાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કાર એનાયત કરાયો
રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પરીમલભાઈ નથવાણીને અસ્મિતા મહાસન્માન પુરસ્કાર એનાયત કરાયો
અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ABP અસ્મિતા ન્યૂઝ ચેનલ દ્વારા ‘સન્માન પુરસ્કાર 2023’ યોજાયો હતો. આ સમારોહમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારા શ્રેષ્ઠીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે સન્માન પુરસ્કાર એનાયત કરાયાં હતાં. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પરીમલભાઈ નથવાણીને અસ્મિતા મહાસન્માન પુરસ્કાર એનાયત કરાયો હતો.
આ અસ્મિતા સન્માન પુરસ્કારમાં સમાજસેવા ક્ષેત્રે, લોકસંગીત ક્ષેત્રે, ખેલકુદ ક્ષેત્રે, મનોરંજન ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠીઓને અસ્મિતા સન્માન પુરસ્કાર એનાયત કરાયાં હતાં.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાવીર જ્યંતિ નિમિતે શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતાની વાત આવે ત્યારે એક ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ અનુભવાય.
તેમણે કહ્યું હતું કે, દેશને સ્વરાજ અપાવવામાં બે ગુજરાતી મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલનો ફાળો રહ્યો છે. અને સ્વરાજમાંથી સુરાજ્ય તરફ લઈ જવામાં પણ બે ગુજરાતી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહનો ફાળો રહ્યો છે.
વધુમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ સ્થાપી છે. અને તેમના પ્રયાસોથી ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અમે વચન પાળ્યા છે, વચન પાળીશું અને ગુજરાતનું માન વધારીશું. અંતમાં મુખ્યમંત્રીશ્રીએ અસ્મિતા ચેનલને અભિનંદન આપી કહ્યું કે, ABP અસ્મિતા ચેનલ લોકો સુધી સત્ય પહોંચાડવાનું કામ નિષ્ઠાથી કરી રહી છે.
આ સમારોહમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ અને પેટ્રોલિયમ રાજયમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.