ABP અસ્મિતાએ ‘અસ્મિતા સન્માન પુરસ્કાર 2021’નું આયોજન કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Asmita-Sanman-Puraskar-2021-1024x682.jpg)
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા
અમદાવાદ, ભારતની અગ્રણી ગુજરાતી ન્યૂઝ ચેનલ ABP અસ્મિતાએ પ્રતિષ્ઠિત એવોર્ડ શૉ ‘અસ્મિતા સન્માન પુરસ્કાર’નું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતીઓની પ્રતિભા, માનવતા અને નોંધપાત્ર સફરને બિરદાવવામાં આવી હતી. એવોર્ડ શૉનું પ્રસારણ ABP અસ્મિતા પર 18 જુલાઈ, 2021ના રોજ થયું હતું. ABP Asmita organises ‘Asmita Sanman Puraskar 2021’
આ કાર્યક્રમમાં ગુજરાતનાં આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે આ કેટેગરીઓમાં ગુજરાતી મહાનુભાવોને એવોર્ડ એનાયત કર્યો હતોઃ શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્ય, સંગીત, સિનેમા/મનોરંજન, રમત, સામાજિક સેવાઓ, વ્યવસાય અને મહાસન્માન.
(https://www.facebook.com/320511514668442/posts/4472923132760572/).
આ એવોર્ડનો ઉદ્દેશ સમાજમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર આ મહાનુભાવોની મહેનત અને ઉત્સાહને પુરસ્કૃત કરવાનો હતો.
ABP નેટવર્કનો ઉદ્દેશ એની પ્રાદેશિક ચેનલો મારફતે વિવિધ ભાષાઓમાં લોકો સુધી સચોટ માહિતી અને જાણકારી આપવાનો છે. ABP અસ્મિતા સૌથી વધુ દર્શકો ધરાવતી ગુજરાતી ચેનલ્સમાં સામેલ છે અને એના દર્શકો સંપૂર્ણ ગુજરાતમાં પથરાયેલા છે. ‘અસ્મિતા સન્માન પુરસ્કાર’નો એવોર્ડ સમારંભ ગુજરાતી ભાષાના દર્શકો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતીના કેટલાંક દિગ્ગજોને બિરદાવવા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
અસ્મિતા સન્માન પુરસ્કારના વિજેતાઓ તેમના પોતાના ક્ષેત્રમાં નિષ્ણાતો છે. તેમને તેમની પ્રતિભા, ક્ષમતા, વ્યક્તિત્વ અને ગુજરાત રાજ્યમાં અને સંપૂર્ણ સમાજમાં પ્રદાનને આધારે પસંદ કરવામાં આવ્યાં છે. અસ્મિતા સન્માન પુરસ્કાર 2021ના એવોર્ડવિજેતાઓ નીચે મુજબ છેઃ
- પંકજ પટેલ, એમડી, ઝાયડસ કેડિલા (મહાસન્માન) – પંકજ પટેલ ભારતમાં પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા હેલ્થકેરના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે. તેઓ ગુજરાતમાં હોસ્પિટલ્સની સૌથી મોટી ચેઇન ઝાયડસ હોસ્પિટલ્સના ચેરમેન પણ છે. મહામારી દરમિયાન ઝાયડસ ગુજરાતમાંથી પ્રથમ બ્રાન્ડ હતી, જેની રસીનું પરીક્ષણ થયું હતું.
- રોહિત પટેલ, શિક્ષક (શિક્ષણ) – રોહિત પટેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના યુવાન સરકારી શિક્ષક છે. તેઓ ગીત અને નૃત્યને મિશ્ર કરીને તેમના વિદ્યાર્થીઓ માટે શિક્ષણને રસપ્રદને બનાવવા માટે જાણીતા છે. તેઓ તેમના વિદ્યાર્થીઓ વચ્ચે લોકપ્રિય છે અને તેમની વિશિષ્ટ શિક્ષણશૈલીને પરિણામે વધુને વધુ વિદ્યાર્થીઓ શાળામાં ઉપસ્થિત રહે છે.
- અતુલ પુરોહિત, લોકગાયક (સંસ્કૃતિ) – ગુજરાતી લોકસંગીત અને ગરબાના ક્ષેત્રમાં મહાન કલાકાર અતુલ પુરોહિત શાસ્ત્રીય ગાયક કલાકાર છે અને વડોદરાના પ્રસિદ્ધ ‘યુનાઇટેડ વે ગરબા’ના મુખ્ય ગાયક છે.
- પહ્મશ્રી કુમારપાળ દેસાઈ (સાહિત્યકાર) – કુમારપાળ દેસાઈ ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ લેખક, વિવેચક, સંપાદક, પત્રકાર, કટારલેખક અને અનુવાદક છે. તેઓ પહ્મશ્રીવિજેતા છે.
- ઓસ્માન મીર, ગાયક કલાકાર (સંગીત) – જાણીતા ગાયક કલાકાર ઓસ્માન મીર હિંદી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં ગીતો ગાય છે, જેમાં ફિલ્મ રામલીલાનું પ્રસિદ્ધ ગીત ‘મોર બની થનગનાટ કરે’ સામેલ છે. તેઓ લોકગીત, ભારતીય શાસ્ત્રીય, ભજન અને ગઝલો વગેરેમાં કુશળતા ધરાવે છે. તેઓ તબલાવાદક પણ છે.
- પહ્મશ્રી મનોજ જોશી, અભિનેતા (સિનેમા/મનોરંજન)– મનોજ જોશીએ 1998થી અત્યાર સુધી 70થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે તથા તેઓ હિંદી, મરાઠી અને ગુજરાતી ટીવી સીરિયલ અને ફિલ્મોમાં પણ કામ કરે છે. તેઓ ચક્રવર્તી સમ્રાટ અશોકમાં તેમના પાત્ર ‘ચાણક્ય’ માટે પ્રસિદ્ધ છે. વર્ષ 2018માં શ્રી જોશીએ પહ્મશ્રી મેળવ્યો હતો.
- સરિતા ગાયકવાડ, દોડવીર (રમત) – સરિતા ગાયકવાડ ભારતીય દોડવીર છે, જે 400 મીટર અને 400 મીટર હર્ડલ્સમાં નિપુણ છે. તેઓ ભારત મહિલાઓની 4 × 400 મીટરની રિલે ટીમની સભ્ય છે, જેણે 2018 એશિયન રમતોત્સવમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુજરાત સરકારે રાજ્યના પોષણ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમની પસંદગી કરી છે. તેઓ ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે પણ નિયુક્ત થયા છે.
- નિશિતા રાજપૂત, સામાજિક કાર્યકર્તા (સામાજિક સેવા) – વડોદરાની યુવતી નિશિતા રાજપૂત યુવાન સામાજિક કાર્યકર્તા છે, જે છેલ્લાં 11 વર્ષથી કન્યાકેળવણીમાં કામ કરે છે. અત્યાર સુધી તેમણે 34,500 છોકરીઓની સ્કૂલ ફી જમા કરાવવા માટે રૂ. 3.80 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક પાર પાડ્યો છે.
- આર એસ સોઢી, એમડી, જીસીએમએમએફ, અમૂલ (બિઝનેસ) – આર એસ સોઢીએ સહકારી ક્ષેત્રની અગ્રણી અમૂલમાં આશરે ચાર દાયકા પસાર કર્યા છે તથા એના અતિ નવીન અને પ્રશંસનીય માર્કેટિંગ અભિયાનોનું નેતૃત્વ કર્યું છે. તેમણે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન નવા ઉત્પાદનો પ્રસ્તુત કર્યા છે. તેમણે ભારતીય ડેરી ઉદ્યોગમાં ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગમાં નવીનતાનું નેતૃત્વ કર્યું છે તથા ભારતની યુવા પેઢીને દૂધ અને ડેરી ઉત્પાદનોનો ઉપભોગ વધારી સ્વસ્થ જીવનશૈલીને અનુસરવા પ્રેરિત કરી છે.