ABP નેટવર્કે ફેક ન્યૂઝની ઇકોસિસ્ટમનો સામનો કરવા યોજના બનાવવા IIM-ઇન્દોર સાથે MoU કર્યા
નવી દિલ્હી, દેશના અગ્રણી મીડિયા જૂથ એબીપી નેટવર્કે સોમવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) ઇન્દોર સાથે સમજૂતીકરાર (ABP Network MoU with IIM-Indore) કર્યા હતા. આ એમઓયુનો ઉદ્દેશ પારસ્પરિક શૈક્ષણિક-પ્રેક્ટિસ જોડાણના માળખા દ્વારા બંને પક્ષોની વ્યવસાયિકતાને મજબૂત કરવાનો તથા સુમાહિતગાર અને ઉદાર સમાજના વિકાસમાં પ્રદાન કરવાનો છે.
આ સમજૂતીનો ઉદ્દેશ બંને પક્ષો દ્વારા બનાવટી સમાચારોની સામાજિક-માનસિક અસરોની સહિયારી તપાસ કરવાનો છે અને આ સમસ્યાનું સમાધાન કરવા બનાવટી સમાચારોના નિવારણ માટેની વ્યવસ્થા ઊભી કરવાનો છે. આ જોડાણ બનાવટી સમાચારોની ઇકોસિસ્ટમનો સામનો કરવા વિશ્લેષણ કરવા અને નીતિગત સ્તરે હસ્તક્ષેપોની ભલામણ કરવા પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
એબીપી નેટવર્ક અને આઇઆઇએમ ઇન્દોર બંને આ જોડાણ દ્વારા સુમાહિતગાર અને ઉદાર સમાજનું નિર્માણ કરવા માટેની જરૂરિયાતની પ્રક્રિયાઓ અને ટૂલ્સ વિકસાવવા માટે સંયુક્તપણે સંશોધન હાથ ધરવા એકબીજાને સાથસહકાર આપશે અને એકબીજા સાથે જોડાણ કરશે.
તેઓ ભારતના નાગરિકો માટે ડિજિટલ જાણકારી પર જાગૃતિ લાવવાના મોડ્યુલ વિકસાવશે. આઇઆઇએમ ઇન્દોર સાથે એબીપી નેટવર્કના કર્મચારીઓ માટે ટૂંકા ગાળાની તાલીમ/સંશોધનની તકો માટેની પણ જોગવાઈ કરવામાં આવશે. ઉપરાંત બંને પક્ષો પારસ્પરિક હિતના સેમિનાર પણ સંયુક્તપણે યોજશે.
આ જોડાણ પર એબીપી નેટવર્કના સીઇઓ શ્રી અવિનાશ પાંડેએ કહ્યું હતું કેઃ “આ જોડાણ સાથે અમે આગામી વર્ષોમાં આઇઆઇએમ ઇન્દોર સાથે એક વ્યવસાયિક સંબંધોની આશા રાખીએ છીએ. એબીપી નેટવર્ક હંમેશા સુમાહિતગાર અને ઉદાર સમાજનો વ્યાપ વધારવા પોતાની કટિબદ્ધતા પર ખરું ઉતર્યું છે.
આ સમજૂતીમાં સામેલ થઈને અમારો ઉદ્દેશ ફેક ન્યૂઝને જડમૂળથી ઉખાડવાનો છે, જેથી સામાન્ય જનતા જાગૃત રહી શકે. અમને પૂરી ખાતરી છે કે, આ જોડાણ મુખ્ય પ્રવાહના મીડિયાના સંશોધનમાં મોટી ભૂમિકા ભજવશે, મીડિયામાં સંશોધન અને વિકાસને પ્રેરકબળ પૂરું પાડશે તથા અનેક વિચારો અને વ્યૂહરચનાઓનું આદાનપ્રદાન કરવાની સુવિધા આપશે.”
આ પ્રસંગે આઇઆઇએમ ઇન્દોરના ડિરેક્ટર, પ્રોફેસર હિમાંશુ રાયે કહ્યું હતું કે, “મને બહુ ખુશી છે કે અમે આઇઆઇએમ ઇન્દોર અને એબીપી નેટવર્ક આ એમઓયુ પર હસ્તાક્ષર કરી રહ્યાં છીએ. આઇઆઇએમ ઇદોરના મિશન સ્ટેટમેન્ટમાં સામાજિક જાગૃકતા માટેની કામગીરી અગ્રણી સ્થાને છે.
આ અંતર્ગત એબીપી નેટવર્કની પાયાના સ્તરે પહોંચ અને આઇઆઇએમ ઇન્દોરની બૌદ્ધિક ઉત્કૃષ્ટતાનો સમન્વય કરીને અમે એક જાગૃત રાષ્ટ્રનું નિર્માણ કરવાનો પાયો નાંખી રહ્યો છે. આ અંતર્ગત અમે સૌપ્રથમ ફેક ન્યૂઝ પર સંશોધન કરીને આ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ કરીશું. અમારા જણાવ્યા અનુસાર, ફેક ન્યૂઝની અસર વ્યક્તિગત માનસિકતા પર થવાની સાથે સામાજિક એકતા અને રાષ્ટ્રીય સુરક્ષાને પણ પ્રભાવિત કરી શકે છે. અમારી સફર અહીંથી જ શરૂ થાય છે.”