રાષ્ટ્રીય સુરક્ષા મામલે ભાગેડુ અપરાધીઓની ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઇએ: ગૃહમંત્રી
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાના કેસમાં ભાગેડુ અપરાધીઓ સામે કેસ ચલાવવો જોઇએ. લાંબા સમયથી ભાગતા ફરતા લોકો સામે ‘ટ્રાયલ એબસન્ટિયા’ હેઠળ કાર્યવાહી થવી જોઇએ.ગૃહમંત્રી શાહે મધ્યપ્રદેશ સરકારના પ્રતિનિધીમંડળ સાથે ત્રણ નવા ફોજદારી કાયદાના અમલની સમીક્ષા કરતી વખતે વંચિતો માટે ન્યાય નિશ્ચત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેના માટે તેમણે જરૂરી શિક્ષણ આપવાનું મહત્વ પણ સમજાવ્યું હતું. તેમણે ભાગેડુ અપરાધીઓ અંગે જણાવ્યું હતું કે, “ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં અપરાધીની ગેરહાજરીમાં કેસ ચલાવવાની જોગવાઇનો સમાવેશ થાય છે. લાંબા સમયથી દેશમાંથી ફરાર ગુનેગારો પર ‘ટ્રાયલ એબસન્ટિયા’ હેઠળ કેસની કાર્યવાહી ચાલવી જોઇએ.”
અમિત શાહે મધ્યપ્રદેશ સરકારને ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (આઇસીજેએસ) હેઠળ ફાળવાયેલા ભંડોળનો વપરાશ કેન્દ્ર સરકારે નિર્ધારિત કરેલા ધોરણો મુજબ થાય એ નિશ્ચિત કરવા જણાવ્યું હતું. શાહે નોંધ્યું હતું કે, “મોદી સરકારે લાગુ કરેલા ત્રણ નવા ફોજદારી કાયદાનો હેતુ લોકોને એફઆઇઆર ફાઇલ થવાથી માંડી સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી ત્રણ વર્ષમાં ન્યાય આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પહેલી જુલાઇથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો અમલ શરૂ કરાયો છે.
તેણે બ્રિટિશન યુગના ઇન્ડિયન પિનલ કોડ (આઇપીસી), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડેન્સ એક્ટ, ૧૮૭૨નું સ્થાન લીધું છે. ગૃહમંત્રીએ પોલીસને પૂછપરછ વખતે અટકાયતમાં લેવાયેલા લોકોની માહિતી ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર આપવા જણાવ્યું હતું.SS1MS