Western Times News

Gujarati News

મધ્યપ્રદેશની આ શાળાએ દેશને સ્વાતંત્ર્ય સેનાનીઓ, રાષ્ટ્રીય નેતાઓ અને વૈજ્ઞાનિકો આપ્યા

કટની, મધ્યપ્રદેશના કેમોર સ્થિત ACC હાયર સેકન્ડરી સ્કૂલે એક સદીની યાત્રા સફતાપૂર્વક પૂર્ણ કરી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને 17,000 થી વધુ લોકોના જીવનને આકાર આપવાની સફરને તે ચિહ્નિત કરે છે. 1923માં કિમોર ગામ ખાતે C.P. પોર્ટલેન્ડ સિમેન્ટ લિમિટેડ દ્વારા સ્થાપિત આ શાળા વર્ષોથી અવિરત શિક્ષણનો પ્રકાશ પાથરી રહી છે. મધ્યપ્રદેશમાં શિક્ષણ જગતમાં શાળાએ અમીટ અને નોંધપાત્ર છાપ છોડી છે. ACC Higher Secondary School at Kymore celebrates centenary

શતાબ્દી સમારોહ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ જી. અદાણીએ પ્રોત્સાહક હાજરી આપી હતી. ACC જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દિવસભર ચાલેલા કાર્યક્રમમાં શાળાની સફર રજૂ કરતી દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના  સંભારણા અભિવ્યક્ત કરવા સાથે સાંસ્કૃતિક પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.

આ ઐતિહાસિક અવસરે ડૉ. પ્રિતિ અદાણીએ શાળાના કર્મચારીગણ, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે “શિક્ષણ એ સામાજિક પ્રગતિનો પાયો છે અને ACC હાયર સેકન્ડરી સ્કૂલનો સદી-લાંબો વારસો ગુણવત્તાયુક્ત શિક્ષણની પરિવર્તનશીલ શક્તિનું પ્રતીક બની આજે આપણી સામે મોજુદ છે.

શાળાની શૈક્ષણિક શ્રેષ્ઠતા એક સીમાચિહ્નરૂપ છે, અમે સમર્પિત શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અદાણી ફાઉન્ડેશન આ મહત્વપૂર્ણ અવસરના સાક્ષી બનતા ગર્વ અનુભવે છે. શાળાના સમૃદ્ધ વારસામાં યોગદાન આપવા અમે આતુર છીએ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને આગળ ધપાવવા પ્રતિબદ્ધ છીએ.”

ACC હાયર સેકન્ડરી સ્કૂલની સફરનો આરંભ 1923 માં ગૌરીશંકર પાંડેના નેતૃત્વ હેઠળ માત્ર બે વર્ગખંડો સાથે થયો  હતો. તેમણે 1943 સુધી પ્રથમ મુખ્ય શિક્ષક તરીકે સેવા આપી હતી. તેમણે આપેલો વારસો અન્ય અનેક શિક્ષાવિદો દ્વારા વર્ષોથી જવાયો છે. તેમના કાર્યકાળમાં શાળાએ  નોંધપાત્ર પ્રગતિ સાધી છે તે અહીં જોવા મળે છે. 2010 માં ઉચ્ચ માધ્યમિક વિદ્યાર્થીઓ માટે પ્રયોગશાળાઓ, પુસ્તકાલય, ચાર વર્ગખંડો અને શૌચાલય સહિતની સુવિધાઓનું નિર્માણ થયું હતું. રાજ્યની મેરિટ યાદીમાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિઓએ શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે શાળાની પ્રતિબદ્ધતાની તાકાત પ્રકાશિત કરી છે. 2017માં આચાર્યની જવાબદારી સંભાળનાર સુધાંશુ મિશ્રાના નેતૃત્વ હેઠળ શાળા પ્રગતિના પંથે અગ્રેસર રહી છે.

શાળાના 100 વર્ષ પૂર્ણ થતા સુધાંશુ મિશ્રાએ કહ્યું હતું કે “જેમ જેમ આપણે અવિશ્વસનીય સીમાચિહ્ન પર પહોંચીએ છીએ તેમ, મારુ હૃદય કૃતજ્ઞતાથી ઉભરાય છે. આ યાત્રા સમર્પિત શિક્ષકો અને સમુદાયના સમર્થન દ્વારા માર્ગદર્શિત શિક્ષણના સાચા સારને પ્રતિબિંબિત કરે છે.

સૌએ સાથે મળીને અનેક પેઢીઓને આકાર આપ્યો છે. સ્વતંત્રતા પૂર્વે આપણે જે ક્રાંતિની શરૂઆત કરી હતી તેને આગળ વધારવા માટેનું  નેતૃત્વ કરવા બદલ હું અદાણી ફાઉન્ડેશનનો આભાર માનું છું. તે સાથે સર્વ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે અમે સખત મહેનત કરવા સજ્જ છીએ.”

10 વર્ષની ઉંમરે ભારત છોડો ચળવળમાં જોડાનાર સૌથી નાની વયના સ્વાતંત્ર્ય સેનાની મહેશ શ્રીવાસ્તવ સહિતના અન્ય ભૂતપૂર્વ  વિદ્યાર્થીઓ માટ શાળાને ખૂબ ગર્વ છે.  આ શાળાના પ્રતિભાવંતોમાં નિવૃત્ત આર્મી ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ તુકારામ યાદવ, ભારતીય બેડમિન્ટન એસોસિયેશનના સેક્રેટરી સંજય મિશ્રા, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 પ્રોજેક્ટમાં કામ કરનાર મેઘા ભટ્ટ, રાણી દુર્ગાવતી યુનિવર્સિટીમાં ડીન અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલર તરીકે નિવૃત્ત થયેલા વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી ડૉ. કરુણા વર્મા, કોલ ઇન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ મુખ્ય ભૂસ્તરશાસ્ત્રી અનિલ કુમાર શુક્લા અને પ્લેબેક સિંગર નંદિતા નાગજ્યોતિ વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.