બાઈક અને બોલેરો વચ્ચે અકસ્માત થતાં યુવકનું ઘટના સ્થળે જ મોત
આછોદના મોટા પુલ પાસે અકસ્માતમાં અન્ય બે યુવકોને ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના આછોદ ગામ નજીક મોટા પુલ પાસે તહેસીન પોલ્ટ્રી ફાર્મ નજીક ગત રોજ રાત્રીના સમયે બોલેરો ગાડી અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થતા બાઈક ઉપર સવાર એક યુવાનનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઈજાઓ થતા તેમને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટંકારી બંદર ગામના ત્રણ યુવાનો કરણભાઈ છત્રસંગ પરમાર ,વિજયકુમાર કનુભાઈ પઢીયાર તેમજ કિરીટભાઈ મહેન્દ્રભાઈ પરમાર મોટર સાઇકલ લઈને દહેજ થી ઘરે ટંકારી બંદર આવતી વખતે આમોદ તાલુકાના આછોદ ગામના તહેસીન પોલ્ટ્રી ફાર્મ નજીક ગત રોજ રાત્રીના સમયે આમોદ થી આછોદ તરફ જતી
બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજા માની ગાડી બેફિકરાઈ અને ગફલતભરી રીતે હાંકરી લાવી સામેથી બાઈક ઉપર જતા ત્રણ યુવાનો નામે કિરીટભાઈ મહેન્દ્રભાઈ પરમાર,કરણભાઈ છત્રસંગ પરમાર તેમજ વિજય કનુભાઈ પઢીયારને અડફેટમાં લીધા હતા.
ગંભીર અકસ્માતને કારણે કિરીટ મહેન્દ્રભાઈ પરમારનું ઘટન સ્થળે જ કરુણ મોત થયું હતું.જયારે અન્ય બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત કરી બોલરો ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો.આછોદ ગામ પાસે થયેલા અકસ્માતની જાણ ગામલોકોને થતાં મોટી સંખ્યામાં યુવાનો આવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા યુવાનોને ૧૦૮ માં આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યા હતાં.
ઈજાગ્રસ્ત યુવાનો વિજય કનુભાઈ પઢીયાર તથા કરણભાઈ છત્રસંગ પઢીયારને હાજર તબીબે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.આમોદ પોલીસે અકસ્માતમાં મરણ જનાર કિરીટભાઈ પરમારના પિતા મહેન્દ્રભાઇની ફરિયાદ નોંધી બોલેરો ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.