રાજકોટમાં ટેન્કર અને બાઇક વચ્ચે થયો અકસ્માત: પિતા-પુત્રનું મોત
રાજકોટ, શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઈક સવાર પિતા પુત્રના મૃત્યુ ઘટના સ્થળ પર જ નીપજ્યા છે.
શૈલેષ પરમાર અને અજય પરમાર નામના પિતા પુત્રનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર પિતા પુત્રના સ્થળ પર જ મૃત્યુ નીપજયાની જાણ બી ડિવિઝન પોલીસને થઈ હતી.
જેથી તાત્કાલિક અસરથી રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ નો કાફલો તેમજ ટ્રાફિક એસીપી જે. બી. ગઢવી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતક પિતા પુત્રોની લાશને પીએમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા બનાવની જાણ મૃતક પિતા પુત્રના પરિવારજનોને કરતા તેઓ પણ તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે સવારે ૮ઃ૩૦ વાગ્યા આસપાસ બાઈક સવાર પિતા પુત્ર રોડ પર જઈ રહ્યા હતા. જે દરમિયાન ટેન્કર ચાલક બાજુમાંથી નીકળતા બાઈક ચાલક દ્વારા પોતાનું બેલેન્સ ગુમાવી દેતા ટેન્કરના પાછલા ટાયરમાં આવી જતાં બંને પિતા પુત્રનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. તેમજ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોવાનું સામે આવી રહ્યું છે.
જેથી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટના સંદર્ભે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદન નોંધી ફરિયાદ નોંધવાની કામગીરી પણ આરંભવામાં આવી છે. ત્યારે ટેન્કર ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કઈ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવે છે તેમજ કેટલા સમયમાં તેને ઝડપી પાડવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.SS1MS