Western Times News

Gujarati News

મોબાઈલને કારણે અકસ્માતોનું પ્રમાણ વધ્યુંઃ સર્વે

AI Image

૨૩% લોકોએ મોબાઈલનો અયોગ્ય ઉપયોગ અકસ્માતનું મુખ્ય કારણ ગણાવ્યું

રાજકોટ, શહેરના મનોવિજ્ઞાન ભવનના સંશોધકોએ અકસ્માતોની ગંભીરતા અને તેના સામાજિક પ્રભાવ પર એક અભ્યાસ હાથ ધર્યો છે, જે શહેરના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો છે.

અકસ્માત વિશે લોકો શું માને છે અને તેના કારણો શું હોઈ શકે તે જાણવાના હેતુથી મહીડા તુષાર અને મહેતા અભિજીતે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ યોગેશ જોગસન અને અધ્યાપક ડો. ધારા દોશીના માર્ગદર્શન હેઠળ ૯૮૦ લોકો પર સર્વેક્ષણાત્મક અભ્યાસ કર્યો અને રસપ્રદ માહિતી એકત્રિત કરી છે.

માર્ગ પર વાહન ચલાવતી વખતે અકસ્માત એ આજના સમયની સૌથી ચિંતાજનક સમસ્યાઓ પૈકી એક છે. વિસ્તૃત સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, અકસ્માતના કેટલાક મુખ્ય કારણો છે.

સૌ પ્રથમ, વધુ ઝડપે વાહન ચલાવવાનો પ્રયાસ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યું છે. ૧૬% લોકોએ જણાવ્યું કે, ઝડપ અને બેદરકારીથી વાહન ચલાવવાથી અકસ્માતની સંભાવના વધી જાય છે. તેની પાછળ ૧૪% લોકોએ આલ્કોહોલ અને ડ્રગ્સનો ઉપયોગ મુખ્ય કારણ હોવાનું જણાવ્યું હતું.

ઘણી વખત થાક, કાર્યનો બોઝ, ધ્યાનનો અભાવ પણ અકસ્માતનું કારણ બને છે. ૧૨% લોકોએ વધારે કાર્ય બોઝ અને થાકને કારણે અકસ્માત થતા હોવાનું જણાવ્યું હતું. ૨૩% લોકોએ મોબાઈલનો અયોગ્ય ઉપયોગ અકસ્માતનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.

રાહ ચલાવતી વખતે માનસિક પરિસ્થિતિ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ૮% લોકોએ આવેગાત્મક અવસ્થા અને માનસિક દબાણને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યો હતો. રસ્તાની પરિસ્થિતિ, વાહનની તકનીકી ક્ષમતા, અને વાતાવરણ પણ અકસ્માતમાં મહત્વનો ભાગ ભજવે છે.

માર્ગ અકસ્માત ફક્ત શારીરિક નુકસાન નથી પહોંચાડતો, પરંતુ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે. ૧૦૩ અકસ્માત પીડિતોનું સંશોધન દર્શાવે છે કે PTSD (પોસ્ટ-ટ્રામટિક સ્ટ્રેસ ડિસઓર્ડર) જેવી માનસિક સ્થિતિઓ વ્યક્તિના જીવનને પ્રભાવિત કરી શકે છે.

ડરની ભાવના, ઉદાસી, ચિંતા, અને ‘ડ્રાઈવિંગ ફોબિયા’ જેવી સ્થિતિઓ વ્યક્તિના સામાજિક જીવન અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર પ્રભાવ પાડે છે. અકસ્માત અટકાવવા માટે, વિશેષજ્ઞોનો સલાહ છે કે ગતિ મર્યાદાનું પાલન, ટ્રાફિક નિયમોનું સંચાલન, વાહનોની યોગ્ય સંભાળ, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ઉપયોગ, અને ડ્રાઈવિંગ પ્રશિક્ષણ અત્યંત જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.