સાપુતારા ફરીને પરત ફરતા મિત્રોની કારને અકસ્માત
ડાંગ, સુરતથી ત્રણ મિત્રો ઉત્તરાયણની રજામાં કાર લઈ સાપુતારા ફરવા ગયા હતા. પરંતુ રજા ગાળીને પરત ફરતા સમયે તેમને ખબર ન હતું કે રસ્તામાં તેમનુ મોત ઉભુ છે. રાત્રે પરત ફરતા સાપુતારા માર્ગ પર સાકરપાતળ ગામે કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે તેમની કાર કોતરમા ખાબકી હતી. ત્રણેય યુવકો ગાડીમાં જ બેભાન થઈ ગયા હતા, ત્યારે સવારે એક મિત્રનું મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ, સુરતના કતાર ગામ ખાતે નાની વેડ રોડ પર ૩૩ ગુરુકૃપા વિભાગ-૨ માં રહેતા મનીષભાઈ રમેશભાઈ બાધાણી ઉત્તરાયણની રજામાં તેના મિત્ર ચિરાગભાઈ અરવિંદભાઈ બાવીસી (રહે કતારગામ સુરત) અને અન્ય મિત્ર મહેશ ઉર્ફે પાગો નરસિંહભાઈ વાહાણી (રહે રામપરા તાલુકો ગઢડા જીલ્લો બોટાદ) સાથે તેમની ક્રેટા કાર નંબર જીજે- ૦૫ – RF – ૨૪૦૪ લઈ સાપુતારા ફરવા ગયા હતા. સોમવારે મોડી રાત્રે તેઓ સાપુતારાથી સુરત જવા નીકળ્યા હતા, તે દરમિયાન કાર ચિરાગ બાવીસી ચલાવી રહ્યો હતો. ત્રણેય મિત્રો વઘઈ સાપુતારા માર્ગ પર સાકરપાતાળ પાસેથી પસાર થતા હતા તે દરમિયાન ચિરાગથી વળાંક બરાબર લેવાયો ન હતો. જેથી કાર સાઈડમાં પૂલના નીચે ઉતરી ગઈ હતી.
આ અકસ્માતમાં ત્રણેય મિત્રોને ઈજા થઈ હતી અને ત્રણેય જણા બેભાન થઈ ગયા હતા. સવાર સુધી કોઈને આ અકસ્માતની જાણ થઈ ન હતી. પરંતું સવારે મનીષ બાધાણીને હોંશ આવ્યો હતો, જેથી તેણે નજીકમાં હોટલ ચલાવતા કોઈ સંબંધીને બોલાવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને તમામને સારવાર માટે ખસેડાયા હતા.
ચિરાગને વધુ ઈજા થઈ હતી. તેમજ મહેશ વાહાણી પણ વધુ ઈજાગ્રસ્ત હતો. મહેશ વાહાણીને હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કે, ચિરાગને પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો.જાેકે, આ ઘટના બાદ ત્રીજાે મિત્ર મહેશ બાધાણીએ જ ચિરાગ બાવાસી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. વઘઈ પોલીસ મથકે મનિષ બાધાણીએ ચિરાગ બાવીસી વિરુદ્ધ પુર ઝડપે અને ગફલત રીતે કાર હંકારી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી કારને કોતરમાં ઉતારી દઈ પોતાને ઈજા પહોંચાડી અને મહેશ વાહાણીને ઈજા પહોંચાડી મોત નિપજાવવા બદલ ગુનો નોંધાવ્યો છે. વઘઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.