સુરતમાં રોકાણના નામે એકાઉન્ટન્ટ સાથે ૭૫.૯૨ લાખની છેતરપિંડી

સુરત, ટેક્સટાઈલ અને હીરા નગરી ગણાતા સુરતમાં એકાઉન્ટન્ટ સાથે ૭૫,૯૨,૩૦૦ની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
આરોપીએ રોકડ રકમ, ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવી તેનો વ્યાજબી ઉપયોગ કરવાને બદલે પોતાના કામમાં વાપરી નાખ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે કતારગામ ખાતે રહેતા ફરિયાદી ભાવિક બિપીનકુમાર જાટકીયા એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.
તેની સાથે ઓમ જયંતિભાઈ પ્રજાપતિની પરિચય થયો હતો. ઓળખ વધાર્યા બાદ ઓમ પ્રજાપતિએ તેને શેરબજાર, ક્રિપ્ટોકરન્સી અને જમીનમાં રોકાણ કરવાના બહાને પૈસા આપવાની સલાહ આપી હતી.
આરોપી ઓમે ફરિયાદી પાસેથી ૩૦,૦૦,૦૦૦ રોકડા રૂપિયાની સાથે ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ અને બેંક ટ્રાન્સફર દ્વારા કુલ ૭૫,૯૨,૩૦૦ મેળવ્યા હતા. આરોપીએ આ રકમનો કોઈપણ પ્રોજેક્ટમાં ઉપયોગ કર્યાે ન હતો અને પોતે જ વાપરી નાખ્યા હતા. ફરિયાદીએ જ્યારે પેમેન્ટની માંગણી કરી ત્યારે તેણે બહાનેબાજી કરી હતી.
આ મામલે ફરિયાદી દ્વારા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જે બાદ આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોપવામાં આવી. ઇકો સેલની ટીમે તપાસ શરૂ કરી અને આરોપી ઓમ જયંતિભાઈ પ્રજાપતિની ધરપકડ કરી હતી. હવે પોલીસે આરોપીની સંપત્તિ અને પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.SS1MS