Western Times News

Gujarati News

ટ્રાયલ વગર આરોપીને લાંબો સમય કેદ ના રાખી શકાયઃ સુપ્રીમ

નવી દિલ્હી, ઉત્તરપ્રદેશમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ટ્રાયલ વગર લાંબા સમય સુધી આરોપીને કેદમાં ના રાખી શકાય. આવી કેદ તેના માટે સજા બની જવી જોઇએ નહીં.

જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી ખંડપીઠે અવલોકન કર્યું હતું કે અરજદારને ૫.૨ વર્ષથી વધુ સમયથી જેલમાં રાખવામાં આવ્યો છે અને ૨૦૧૯માં નોંધાયેલા કેસમાં હજુ સુધી સુનાવણી ચાલુ થઈ નથી.

રાજ્યના વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ કેસમાં જામીન પર મુક્ત કરાયેલો સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી. ખંડપીઠે જણાવ્યું હતું કે આ કોર્ટે આવા શ્રેણીબદ્ધ કેસમાં જણાવ્યું છે કે ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં. આ કેદને એક સજા બનાવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા સામેની આરોપીની અરજીની સુનાવણી કરી રહી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે જામીન આપવાનો ગયા વર્ષના માર્ચમાં ઇનકાર કર્યાે હતો.

આ કેસમાં સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો ન હોવાની દલીલ પર ખંડપીઠે જણાવ્યું હતું કે રાજ્ય હંમેશા જામીન રદ કરવા માટે પગલાં લેવા માટે સ્વતંત્ર છે. જોકે અરજદારને ફક્ત એટલા માટે સજા ન કરી શકાય કે સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી.

જામીન આપવાનો ઈનકાર કરવાનો આ મજબુત આધાર નથી. ખંડપીઠે અરજદારને ગ્રેટર નોઈડા ખાતે નોંધાયેલા કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતો પર જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

આરોપીની જાન્યુઆરી ૨૦૧૯માં નાર્કાેટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.હાઈકોર્ટમાં આરોપીએ દાવો કર્યાે હતો કે ૧૫૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો તે ઘટનાસ્થળથી તેની ધરપકડ થઈ ન હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.