LG હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી પોક્સોના કેસનો આરોપી ફરાર

મણિનગર પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધ્યો
પોક્સો જેવા ગંભીર કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ જતા ઉચ્ચ અધિકારીઓએ ગંભીર નોંધ લીધી છે
અમદાવાદ,અમરાઇવાડી પોલીસ પોક્સોના ગુનામાં ૪ આરોપીને પકડીને મણિનગર સ્થિત એલજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઇ ગઇ હતી. હોસ્પિટલમાં એક દર્દીનું મોત થતા સંબંધીઓની ભીડ ભેગી થઇ હતી. તે દરમ્યાન ભીડનો લાભ લઇને એક આરોપી પોલીસકર્મીઓની નજરચૂકવી ફરાર થઇ ગયો હતો. આ અંગે હેડ કોન્સ્ટેબલે આરોપી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે અરવિંદભાઇ બબાભાઇ ફરજ બજાવે છે. ૩૧ મેએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ વાલજી સોલંકી, રમીલા સોલંકી, જયસુખ વાઘેલા, કેસરબેન વાઘેલા સામે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે પોસ્કોના કેસમાં ચારેયની ધરપકડ કરી હતી.
ચારેય આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરે તે પહેલાં મેડિકલ ચેકઅપ માટે એલજી હોસ્પિટલ લઇ જવાના હતા. તેથી અમરાઇવાડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરની મંજૂરી લઇને તમામ આરોપીને લોકઅપની બહાર કાઢ્યા હતા. હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ, કોન્સ્ટેબલ સંજય, મહિલા પોલીસ કર્મી હેતલબેન ચારેય આરોપીઓને લઇને સરકારી વાહનમાં એલજી હોસ્પિટલ લઇ ગયા હતા. કોન્સ્ટેબલ સંજયભાઇ વાહન પાર્ક કરવા ગયા ત્યારે અરવિંદભાઇ અને હેતલબેન ચારેય આરોપીને હોસ્પિટલના ટ્રોમાં વોર્ડમાં લઇ ગયા હતા.
ડોક્ટર ચારેય આરોપીની તપાસ કરતા હતા અને પોલીસ કર્મીને તેનો બક્કલ નંબર પૂછતા હતા. આ સમયે આરોપી વાલજી ડોક્ટરની બાજુના ટેબલ પર બેઠો હતો અને રમીલા, જયસુખ અને કેસર હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇની બાજુમાં ઊભા હતા. આ દરમ્યાન હોસ્પિટલમાં એક દર્દીનું મોત થઇ જતા તેમના સંબંધીઓ રડી રહ્યા હતા લોકોની ભીડ થઇ હતી. આ માહોલનો લાભ લઇને આરોપી જયસુખ પોલીસકર્મીઓની નજર ચૂકવી વોર્ડમાંથી બહાર નીકળી ફરાર થઇ ગયો હતો. ભીડ ઓછી થઇ ત્યારે અરવિંદભાઇનું ધ્યાન આરોપીઓ તરફ જતા જયસુખ ગુમ હતો. પોલીસે આસપાસ શોધખોળ કરી પરંતુ તે મળી આવ્યો ન હતો.
આ અંગે હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇએ જયસુખ સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોક્સો જેવા ગંભીર કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ જતા ઉચ્ચ અધિકારીઓએ ગંભીર નોંધ લીધી છે. બાકીના ત્રણેય આરોપીઓને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા છે.SS1