સુરતમાં બાળકીનું અપહરણ અને છેડતીના કેસમાં આરોપીને સાત વર્ષની કેદ
સુરત, સુરત કોર્ટે નવ વર્ષની બાળકીનું અપહરણ કરી શારીરિક અડપલાંના ગુનામાં મંગળવારે સજા ફટકારી હતી. બાળકીને કરિયાણાની દુકાનેથી અપહરણ કરી નજીકમાં ટેરેસ ઉપર લઈ જઈને છેડતી કરી હતી. કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી ૭ વર્ષની સખત કેદની સજા અને બે હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદનો હુકમ કર્યાે હતો.
આ કેસની વિગત એવી હતી કે શહેરમાં આવેલા લિંબાયત ખાતે રહેતી એક ૯ વર્ષની બાળકી પોતાના ઘરની નીચે આવેલી કરિયાણાની દુકાને પેન્સિલ લેવા ગઈ હતી. દરમિયાન ત્યાં મારુતિ નગરમાં રહેતો સમીર ઉર્ફે પમડી સત્તાર સલીમ શા (ફકીર) ઊભો હતો.
સમીરે આ બાળકીને નજીકમાં જવા કહ્યું હતું બાળકીને એવું લાગ્યું હતું કે કોઈ સામાન લેવા માટે સમીરે મોકલ્યો હશે જેથી બાળકી થોડી દૂર ગઈ હતી. સમીર પણ તેણીની પાછળ ગયો હતો. અને બાળકીને પાછળથી પકડીને મોબાઈલમાં ગેમ રમવાનું પ્રલોભન આપી ટેરેસ પર આવવાની વાત કરી હતી પરંતુ બાળકીએ ના પાડી હતી.
એટલે સમીરે બાળકીના મોઢા ઉપર હાથ મૂકી ટેરેસ પર લઇ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાળકી જેમ તેમ કરીને ત્યાંથી ભાગવામાં સફળ થઈ હતી.
બાળકીના પિતાએ સમીર સામે આ અંગે ફરિયાદ કરતા લિંબાયત પોલીસે અપહરણ, છેડતી, મારામારી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસની ઈન્સાફી કાર્યવાહી સુરત કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ દીપેશ દવેએ આરોપીને કાયદાની જોગવાઈ મુજબ સજા કરવા દલીલો કરી હતી.
જ્યારે બચાવ પક્ષની દલીલ હતી કે આ ખોટી ફરિયાદ છે. કોર્ટે બન્ને પક્ષની દલીલો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લઈ આરોપી સમીરને આ ગુનામાં કસુરવાર ઠેરવી ૭ વર્ષની સખત કેદની સજા અને બે હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યાે હતો.SS1MS