ખેડૂતને વીમા પોલિસીની લાલચ આપી રૂ.૧.૩૬ કરોડ પડાવનાર આરોપીને ર વર્ષની જેલ

આણંદ, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના લાલપુરા ગામના ખેડૂત સાથે વીમો પોલિસી અને તેના લાભો આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાના કેસમાં આંકલાવ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સાયબર ક્રાઈમની કલમો હેઠળ મુખ્ય આરોપીને બે વર્ષની સખ્ત કેદની સજા અને ૬૦ હજારનો દંડ ફટકાર્યો છે જ્યારે અન્ય ચાર શખ્સોને નિર્દોષ છોડી મૂકયા છે.
આ કેસની મળતી વિગતો મુજબ આંકલાવ તાલુકાના પીપળી ગામના લાલપુરા મોટી ખડકીમાં રહેતા ખેડૂત રાજારાભાઈ ઉર્ફે રાજેન્દ્રકુમાર પટેલે ગત ર૦૧૦માં ઈન્ડિયા ફર્સ્ટની લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હતી જેનું પ્રિમિયમ નિયમિત વર્ષે પ૦ હજાર ભરતા હતા જે અંગે એક અજાણ્યા શખ્સે તેઓને હિન્દી ભાષામાં વિરેન્દ્ર કાશીરામ તરીકે ફોન કરી પોતાની ઓળખ આપી તેમની પોલિસી પાકી ગઈ છે
તેમને એક કરોડ રૂપિયા અને આજીવન પેન્શન મળશે તેમજ અન્ય લાભો મળશે તેમ જણાવી શખ્સે પોલિસી નંબર જણાવી ખેડૂતને વિશ્વાસમાં લીધા હતા અને તેઓ પાસેથી જુદા જુદા મળી રૂપિયા ૩ર,૪૦૦ જમા કરાવ્યા હતા. ત્યારબાદ વિરેન્દ્ર કાશીરામ, આશુતોષ મનોજ શુકલા, નિશાંતકુમાર ક્રિપાલ સહિત શખ્સોએ જુદા જુદા ફોન પરથી વારંવાર ફોન કરીને જીએસટી, ફાઈલ પ્રોસેસિંગ અને એડવાન્સ ટેકસના નામે પૈસા પડાવ્યા હતા
અને કુલ ૧.૩૬ કરોડ રૂપિયા જેટલી રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી લીધી હતી અને વધુ પૈસાની માગણી ચાલુ રાખી હતી જેથી ખેડૂતને શંકા ગઈ હતી અને તેઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ખેડૂત રાજારામભાઈએ આણંદ સાયબર ક્રાઈમ પોલીસમાં આ ચારેય શખ્સોના નામ અને મોબાઈલ ફોન આધારે ફરિયાદ નોંધાવી હતી જે આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નોઈડાના એક આરોપીને ઝડપી પાડયો હતો.
જે સમગ્ર કેસ આંકલાવ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એસ.કે.રાવલે રર મૌખિક પુરાવા, ૧રર દસ્તાવેજી પુરાવા આંકલાવ કોર્ટના જજ અભિનવ મુદગલ સમક્ષ મૂકી અને ધારદાર દલીલો કરી હતી જેથી ન્યાયાધીશ ડૉ.અભિનવ મુદગલે પુરાવાઓ અને સાક્ષીઓ આરોપી શુભમ સુનિલ અધિકારી વિરૂદ્ધ મળતા મુખ્ય આરોપી શુભમ સુનિલ અધિકારીને કસૂરવાર ઠેરવી બે વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.