વડોદરા જેલમાંથી પેરોલ પર છૂટી ભાગેલો આરોપી બિહારથી 15 વર્ષે ઝડપાયો

ભરૂચ પોલીસે બિહારમાં વેશ બદલી ૧૫ વર્ષથી ફરાર આરોપીને નાલંદાથી ઝડપી લીધો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત થયેલ આરોપી વડોદરા મધ્યસ્થ જેલ માંથી પેરોલ રજા પર છૂટ્યા બાદ છેલ્લા ૧૫ વર્ષથી ફરાર આરોપીને ભરૂચ એસઓજી પોલીસની ટીમે બિહારમાં વેશ બદલી તેને નાલંદાથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં આરોપી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપુત દોષિત હતો. તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી.
ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૦ ના રોજ ૭ દિવસની પેરોલ રજા મળી હતી. આરોપીએ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૦ ના રોજ જેલમાં પરત ફરવાનું હતું. પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો. જે આરોપી છેલ્લા ૧૫ વર્ષથી ફરાર હતો.
જેને ઝડપી પાડવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન ભરૂચ એસઓજી પોલીસને કામગીરી સોંપવામાં આવી હતી.આ દરમ્યાન ભરૂચ એસઓજી પોલીસના એએસઆઈ જયેન્દ્રસિંહને બાતમી મળી કે આરોપી બિહારના નાલંદામાં છે.
પોલીસની ટીમે બિહાર જઈને વિવિધ વેશ ધારણ કરી બે દિવસની સઘન તપાસ બાદ આરોપી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપુતને ઝડપી પાડયો હતો. આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે જેને ભરૂચ લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.