પાક.એજન્ટને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી આપનાર આરોપી ઝડપાયો
સુરત, સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇના એજન્ટ સાથે ભારતીય સેનાની અતિસંવેદનશીલ ગુપ્ત માહિતી શેર કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમબ્રાન્ચે દીપક સાલુંકે નામના એક આરોપીની ધરપકડ કરે છે. આ વ્યક્તિ પાકિસ્તાની જાસૂસને સિમકાર્ડ પણ મોકલતો હોવાની માહિતી સામે આવી છે.
સુરતના ડીંડોલીથી તેની ધરપકડ કરવામાં આવી છે. ફેસબુકના માધ્યમથી આ વ્યક્તિ એજન્ટના સંપર્કમાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
આ ઘટના અંગે સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. પોલીસ કમિશનરે કહ્યું કે, ડીંડોલીથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ઓનલાઇન બિઝનેસ કરતો હતો. ત્યારબાદ ફેસબુકના માધ્યમથી એજન્ટના સંપર્કમાં આવ્યો હતો.
આરોપી વ્યક્તિ જૂન મહિનાથી સંપર્કમાં હતો. સુરતના ડીંડોલી વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાં રહેતા દીપકે પાકિસ્તાનના રહેવાસી હામિદ નામના વ્યક્તિને અત્યાર સુધી ૧૫ જેટલા સિમકાર્ડ પણ આપ્યા હતા.
પોલીસ કમિશનરે આપેલી માહિતી પ્રમાણે ફેસબુકના માધ્યમથી આઈએસઆઈના સંપર્કમાં આવ્યો હતો. આ વ્યક્તિને માહિતી અને સિમકાર્ડ આપવાના બદલામાં પૈસા મળતા હતા. અત્યાર સુધી તેના ખાતામાં ૭૫ હજાર રૂપિયા આવ્યા છે. સીપીએ કહ્યું કે, હામિદ નામના પાકિસ્તાની વ્યક્તિએ આઈએસઆઈ સાથે કામ કરવાનું દીપકને જણાવ્યું હતું.
તેની વિરુદ્ધ ૧૨૧ અને ૧૨૦ (બી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના વ્યક્તિએ દીપકને ગુપ્ત માહિતીના બદલામાં આર્થિક લાભ આપવાનું કહ્યું હતું. તેણે વોટ્સએપ પર ફોટો પણ મોકલ્યા હતા. કોરોના પહેલા દીપક સાંઈ ફેશન નામની દુકાન ચલાવતો હતો. અત્યારે ઓનલાઇન મની ટ્રાન્સફરનું કામ કરે છે.SS1MS