કાલુપુરમાં યુવકને જાહેરમાં ચાકુની અણીએ લૂંટનારા આરોપીને સાત વર્ષની કેદ
અમદાવાદ, કાલુપુર વિસ્તારમાંથી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વહેલી સવારે યુવકને જાહેરમાં ચાકુની અણીએ લૂંટી આરોપી પલાયન થઇ ગયો હતો.
પોલીસે આરોપીને શોધી તેની સામે ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં એડિશનલ સેશન્સ જજ બી.કે. અવાશિયાએ આરોપીને સાત વર્ષ કેદની સજા ફટકારી છે.
કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, આરોપી ગુનો કરવાની ટેવ ધરાવે છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય. અસારવા વિસ્તારના નાગજીભાઇ રૂપસિંહ પટેલ ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ સવારે ૭ વાગ્યે તેમના કાકાના દીકરા ડુંગર પટેલ સાથે નરોડા રહેતા સગા હીરાલાલ પટેલને મળવા નીકળ્યા હતા.
તેઓ ચાલતા ચાલતા કાલુપુર રિક્ષા સ્ટેન્ડ તરફ જઇ રહ્યાં હતા ત્યારે એક બાઇક ચાલક આવ્યો હતો અને તેમને ઊભા રહેવા કહ્યું હતું. જેથી નાગજીભાઇ અને ડુંગર ઊભા રહ્યા હતા. ત્યારે ચાલકે પૃચ્છા કરી હતી કે, તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો તેમ કહી ધમકાવવા લાગ્યો હતો.
બન્નેએ બસ સ્ટેન્ડ પર જઇએ છીએ તેમ જણાવ્યું હતું. ત્યારે બાઇક ચાલકે તમારી પાસે જેટલા રૂપિયા હોય તેટલા આપી દોવ તેમ કહી ધમકી આપી હતી. બન્નેએ રૂપિયા આપવાનો ઇનકાર કર્યાે હતો જેથી યુવકે ઝપાઝપી શરૂ કરી ચાકુ કાઢ્યું હતું અને ધમકી આપી ખિસ્સામાંથી ૨૦૪૦૦ લૂંટી લીધા હતા અને બાઇક લઇ ફ્‰ટ માર્કેટ તરફ ભાગી ગયો હતો.
આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી અને આરોપી સાબીર ઉર્ફે માંજરો બાબુભાઇ પટેલને ઝડપી લઇ તેની સામે કોર્ટમાં ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ સી.આર. ખત્રીએ પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીએ જાહેરમાં જ ચાકુ બતાવી ધાડ પાડી પૈસા લઇ લીધા હતા, આવા કિસ્સા કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા પેસેન્જરો સાથે અવાર નવાર બને છે.
જેમાં ભોગ બનેલા બહારના હોવાથી ફરિયાદ કરવાનું ટાળતા હોય છે, આ કેસમાં ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે, આરોપી સામે કેસ પુરવાર થાય તેટલા પુરાવા છે, સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યો છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી સજા કરવી જોઇએ.SS1MS