સંસદમાં અરાજકતા ફેલાવનાર આરોપીઓ ૭ દિવસના રિમાન્ડ પર
(એજન્સી)નવી દિલ્હી, સંસદભવનમાં બે યુવાનોએ લોકસભાની અંદર ઘૂસી સ્મોક એટેક કરતાં અફરાતફરી મચી હતી. ગંભીર એવી આ ઘટનામાં પોલીસે પકડેલા આરોપીઓને આજે દિલ્હી પટીયાલા કોર્ટમાં રજૂ કરતાં તમામ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
સંસદમાં ગઈકાલે સુરક્ષા ચૂકના મામલાથી રાજકારણ પણ ગરમાઇ ગયું છે. સંસદના બંને ગૃહોમાં હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. જેના પગલે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી બાજુ આ સુરક્ષા ચૂક મામલે કાર્યવાહી કરતાં ૮ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયાની માહિતી મળી રહી છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં રામપાલ, અરવિંદ, વીર દાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત્ત અને નરેન્દ્ર સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે બે યુવાનો દર્શકોની ગેલેરીમાંથી કૂદીને સંસદમાં પ્રવેશી ગયા હતા અને તેમણે સ્મોક બોમ્બ વડે ગૃહને માથે લઈ લીધું હતું. સાંસદોએ તેમને પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કરી દીધા હતા. જ્યારે સંસદની બહાર પણ દેખાવ કરનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ આ મામલે વધુ બે લોકોની સંડોવણીનો ખુલાસો થયો હતો જેમાંથી એકની ધરપકડ કરાઈ હતી અને એક હજુ ફરાર ચાલે છે. જે ૮ કર્મચારીઓ પર આ કાર્યવાહી કરવામાં આવી છે તે સંસદ ભવનના સિક્યોરિટી સ્ટાફના સભ્યો હોવાની માહિતી છે.