સુરતમાં કૌટુંબિક ઝઘડામાં ડોક્ટર ઉપર એસિડ એટેક
સુરત, સુરતના ગોડાદરા વિસ્તારમાં ગુરુવારે રાત્રે ડૉક્ટર ઉપર તેના જ ક્લિનિકમાં અજાણ્યાએ એસિડ એટેક કર્યાે હતો. પાછળથી આ હુમલાખોર ડોક્ટરનો કૌટુંબિક સંબંધી જ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
એસિડ એટેક પછી ડોક્ટર હુમલાખોરને ધક્કો મારી મદદ માટે ક્લિનીકની બહાર દોડી આવ્યા હતા. સારવાર માટે તબીબને દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાવાય છે.
આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરા વિસ્તારમાં શ્રી સાંઈ ક્લિનિક ચલાવતા ડૉક્ટર શામજી બલદાણીયા ગુરુવાર રાત્રે તેમના ક્લિનિકમાં હાજર હતા, તે સમયે એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને બહાર ચંપલ કાઢી થેલામાંથી કેરબો કાઢી અંદર આવ્યો હતો. ડૉક્ટર કંઈક સમજે તે પહેલાં જ તે વ્યક્તિએ કેરબામાંથી કેમિકલ ડૉક્ટરના ચહેરા ઉપર ફેંક્યુ હતું. ડોક્ટરની આંખોમાં બળતરા થતાં તેમણે તે વ્યક્તિને જોરથી ધક્કો માર્યાે હતો.
એટલે વ્યક્તિ ક્લિનીકની બહાર પાર્ક કરેલા મોપેડ અને દાદરની વચ્ચે પટકાયો હતો. ડૉક્ટર મદદ માટે બહાર દોડી આવતા તે વ્યક્તિ જાણે કશું થયું નથી તે રીતે ઉભો થઈને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ડૉક્ટરની મદદની બૂમો સાંભળી બાજુમાં મેડિકલ સ્ટોર ચલાવતા સંચાલક અને અન્યો દોડી આવ્યા હતા. ડૉક્ટરને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યાં છે.
લોકોને સ્થળ પરથી જે કેરબો મળ્યો હતો તેના ઉપર સલ્ફયુરિક એસિડ લખેલું હતું. આ બનાવમાં એક વ્યક્તિના શર્ટ ઉપર કેમિકલ ઉડતા કાણા પડી ગયા હતા.
બનાવની જાણ થતા ગોડાદરા પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.આ અંગ ગોડાદરા પોલીસના પી.આઈ. એચ.એસ. આચાર્યએ કહ્યું હતું કે, ડો. શામજી બદલાણિયા ઉપર હુમલો કરનાર ધીરુ મસરૂભાઈ કવાડ, જે પુણાગામમાં સીતારામ સોસાયટીમાં રહે છે અને હીરા ઘસવાનું કામ કરે છે. તેની તાત્કાલિક અટકાયત કરાતા પૂછપરછમાં ખબર પડી હતી કે, તેની પત્ની મધુ કવાડ અને તેની જેઠાણી એટલે કે મોટી ભાભી ગીતા કવાડ બંને વચ્ચે સતત ઝઘડા થાય છે.
ગીતા કવાડ કે જે ડો. શામજી બદલાણિયાની બહેન થાય છે અને તે ડો. શામજી બલદાણિયાના કારણે ઝઘડા કરે છે, તેવી ધીરુ કવાડને શંકા હતી. એટલે તેણે હીરાની સફાઈ માટે કેમિકલ વેચતી દુકાનમાંથી એસિડ ખરીદી લાવ્યો હતો અને ડો. બલદાણિયા ઉપર હુમલો કર્યાે હતો.SS1MS