Western Times News

Gujarati News

આજથી મીટર વિનાની રીક્ષાઓ સામે કાર્યવાહી: શટલ ચલાવતા રીક્ષાચાલકોની હાલત કફોડી

શટલીયા બંધ થશે તો હજ્જારો મુસાફરો માટે લાલબસ પૂરતી સંખ્યામાં છે ખરી? રીક્ષાચાલકોમાં કચવાટ ભાડુ ભરવુ- હપ્તા ભરવા કે પછી મીટર નંખાવવું

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ૧લી જાન્યુઆરીથી મીટર વિનાની ઓટો રીક્ષા હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેને કારણે રીક્ષાચાલકોમાં ફફડાટની સાથે ચિંતાની લાગણી પ્રસરી છે.

ખાસ કરીને ભાડે રીક્ષા રાખીને શટલ રીક્ષા ચલાવતા અનેક રીક્ષાચાલકોની હાલત કફોડી થાય તેમ છે. જોકે શટલ રીક્ષાની સામે મીટરવાળા રીક્ષાચાલકોમાં આ બાબતથી આનંદની લાગણી પ્રવર્તી રહી છે.

મીટર રીક્ષાવાળાઓનું માનવું છે કે શટલ રીક્ષાઓને કારણે તેમના ધંધાને માઠી અસર થાય છે. હવે મીટર ફરજીયાત થવાને લીધે શટલ રીક્ષા બંધ થઈ જશે. જોકે શટલ રીક્ષાવાળાઓનું કહેવું છે કે તેઓ ત્રણ પેસેન્જર બેસાડીને ભાડુ વધારીને શટલીયા ચલાવશે. અલબત્ત છેવટે તો ભાડા વધારો તો પ્રજાના માથે ઝીંકાવાનો છે. શટલ રીક્ષા બંધ થાય તો તેની સામે લાલ બસ પૂરતી સંખ્યામાં નથી. રોજબરોજ શટલ રીક્ષામાં કામ-ધંધે જતા મુસાફરો કઈ રીતે જશે.

અમદાવાદ શહેર અને તેને અડીને આવેલા વિસ્તારોમાં શટલ રીક્ષાઓનું સામ્રાજય છે. શટલ રીક્ષા બંધ થાય તો વ્યવસ્થિત રીતે ટ્રાન્સપોર્ટેશન ચલાવવા માટે શહેરમાં અંદાજે બે થી ત્રણ હજાર લાલબસની જરૂર પડે તેમ છે. શહેરના રાજમાર્ગ પર ખૂબજ ઓછી લાલબસો દોડે છે.

શટલ રીક્ષાઓને કારણે બધુ બરાબર જળવાઈ રહે છે. પહેલા વહીવટીતંત્રએ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે ત્યાર પછી જ જે કંઈ સુધારા- વધારા કરવા હોય તે કરવા જોઈએ તેમ શહેરના ઘણા સામાજિક- જાગૃત નાગરિકોનું માનવું છે.

બીજી તરફ હકીકત એ છે કે અમુક સ્થળો પર તો રીક્ષાચાલકો પણ મોં માગ્યુ ભાડુ વસૂલ કરે છે ઉચ્ચક ભાડુ બોલીને મુસાફરોને લૂંટતા હોય તેવો ઘાટ ઘડાય છે. અલબત્ત તેમાં મુસાફરને પરવડતું હોય તો જ બેસે છે પરંતુ ૧લી જાન્યુઆરી અર્થાત્‌ આવતીકાલથી નિયમો બદલાઈ જશે. મીટર નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. તેમાં દંડનાત્મક સહિતની કાર્યવાહીનો સમાવેશ થશે તેવુ પૂર્વાલોકન છે.

ઓટો રીક્ષા ચાલકો મક્કમપણે માની રહયા છે કે હજુ મોટાભાગના રીક્ષાવાળાઓએ મીટર નંખાવ્યા નથી. મીટર મોંઘા આવે છે એક તરફ ભાડુ નીકાળવુ- હપ્તા ભરવા કે પછી મીટર નંખાવવું. હાલમાં તો રીક્ષાચાલકો વિમાસણમાં મુકાયા છે. આવતીકાલથી ટ્રાફિક પોલીસ સહિતનું તંત્ર મીટર વિનાની રીક્ષાઓની સામે કાર્યવાહી કરશે તેમ મનાઈ રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.