રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરવા બદલ ડીસા અને પાટણના યુઝર્સ સામે કાર્યવાહી

ડીસા ઉત્તર પોલીસે ધૂળિયાના વ્યક્તિને જેલ હવાલે કરાયો
ડીસાના ધૂળિયાના અને પાટણના ફેસબુક યુઝર દ્વારા કરાયેલી વિવાદીત પોસ્ટ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે
પાટણ,
ભારત-પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનુંનિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા.
દરમિયાન ડીસાના ધૂળિયાના અને પાટણના ફેસબુક યુઝર દ્વારા કરાયેલી વિવાદીત પોસ્ટ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં તેજાભાઈ કપુરજી માળી (રહે. ધુળિયા કોટ, ઈન્દિરાનગર, ડીસા)એ ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પોતાના ફેસબુક એકાઉન્ટ ‘ Tejabhai Mali ‘ નામના એકાઉન્ટમાં પોસ્ટ કરેલ કે “પહેલા પુલવામાં અને હવે પહેલગામમાં ષડયંત્રપૂર્વક નિર્દાેષ લોકોની હત્યા કરાવીને પછી શહીદોના નામ પર વોટ માંગવાવાળા સત્તા લાલચુ રાક્ષસોને હવે આખુ દેશ ઓળખી ગયો, તેવી પોષ્ટ કરેલ, જેના કારણે દેશના નાગરિકોમાં ખોટી અફવાઓ ફેલાવી દ્વેષની તથા ધિક્કારની લાગણી ફેલાવી દેશના નાગરીકોને ગેરમાર્ગે દોરી રાષ્ટ્રની સાર્વભૌમત્વ એકતા અને અખંડીતતા અથવા સુરક્ષા જેખમમાં મુકાય જેનાથી નાગરીકોમાં ભયનો માહોલ પેદા કરવાની કોશિષ કરતા વ્યકિત સામે ડીસા શહેર ઉતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તેની અટકાત કરી જે હવાલે કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા જણાવ્યું હતું.
આ ઉપરાંત પાટણ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે પાટણના જયેશ પટેલ નામના નાગરિકની સામે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મામલે તેમજ લખાણના કન્ટેન્ટને વાંધાજનક ગણાવીને રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરનારું હોવાનું જણાવી આ ફેસબુક એકાઉન્ટના વપરાશકર્તા સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના હે. કો.એ એક ફેસબુક આઈ. ડી. સૈનિક જયેશ સી. પટેલ નામના યુઝર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે, આ ફેસબુક આઈ.ડી. ધારક સૈનિક જયેશ સી.પટેલના વપરાશ કર્તાએ જાણી જોઈને ઇરાદાપુર્વક ભારતીય સૈનિકોના પરાક્રમ અને શૌર્યને બિરદાવવાના બદલે નાગરિકોમાં ભય અને ગભરાટ પેદા કરવાના મલિન ઇરાદાથી આ પોસ્ટ કરી હોવાનું જણાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SS1