અમદાવાદ આરટીઓમાં હેલ્મેટ વગર આવનારા લોકો સામે કાર્યવાહી કરાશે
અમદાવાદ, હવે અમદાવાદ આરટીઓ કચેરી ખાતે કોઈ કામકાજ માટે જવાનું થાય તો ટુ વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરીને જજો. જો હેલ્મેટ વગર આરટીઓમાં ગયા તો તમારી સામે દંડની કાર્યવાહી કરાશે. અમદાવાદ આરટીઓએ આ અંગે કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને સૂચના આપી છે.
માત્ર અજદારો જ નહીં, પરંતુ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ હેલ્મેટ વગર કચેરી ખાતે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે. આમ, હવે રાજ્યની અન્ય કચેરીઓની જેમ અમદાવાદ આરટીઓ કચેરીએ પણ હેલ્મેટના કાયદાનો કડકાઈથી અમલ કરવાનો નિર્ણય કર્યાે છે.
અમદાવાદ શહેર અને રાજ્યમાં વધતા જતાં માર્ગ અકસ્માતો અને તેનાથી ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવોને ધ્યાનમાં લેતા માર્ગ સલામતી લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન જરૂરી છે. ટુવ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટનો ઉપયોગના કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા નિશ્ચિત કરે છે.
જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે માથામાં થતી ગંભીર ઈજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. હેલ્મેટના કાયદાને લઈને હાઈકોર્ટ દ્વારા સરકારને કડક ટકોર કરી હતી.
જેના પગલે રાજ્ય સરકાર દ્વારા પણ હવે આ કાયદાનો કડકાઈથી અમલ કરવા માટે કાર્યરત છે. જેના પગલે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તાકીદને પગલે અમદાવાદ આરટીઓ કચેરીના તમામ કર્મચારીઓ અને અરજદારોને કાયદાનું પાલન કરવા આદેશ કરાયો છે.
આરટીઓના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ તથા આરટીઓ અમદાવાદ કચેરીની મુલાકાતે આવતા દરેક પ્રકારના અરજદારોએ પોતાના ટુ વ્હીલર સાથે હેલ્મેટ પહેરવી જરૂરી છે. આ નિયમનો ભંગ કરવામાં આવશે તો તે બદલ વાહનમાલિકો સામે કાયદેસરની કાર્યવાહી અથવા દંડની કાર્યવાહી હાથ ધરાશે. આ અંગે અમદાવાદ આરટીઓ દ્વારા તમામ અધિકારીઓને પરિપત્ર કરી સૂચના આપી છે.
નોંધનીય છે કે, અમદાવાદ આરટીઓ કચેરી ખાતે રોજના મોટી સંખ્યામાં અરજદારો લાઈસન્સ, વાહનોના ફિટનેસ, આર.સી. બુક સહિતના અનેક કામો માટે આવતા હોય છે. જેમાં ઘણા અરજદારો હેલ્મેટ વગર જ વાહનો લઈને આવતા હોવાથી હવે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ, હવે બુધવારથી અમદાવાદ આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારો હેલ્મેટ પહેરેલા જોવા મળશે. અરજદારો ઉપરાંત કર્મચારીઓ અને અધિકારીઓ પણ હેલ્મેટ પહેરીને આવતા થશે.SS1MS