અભિનેતા સલમાન ખાને રાખ્યો વધુ એક બોડીગાર્ડ
મુંબઈ, એક્ટર સલમાન ખાન બોલિવુડના સૌથી પોપ્યુલર કલાકાર પૈકીનો એક છે. સલમાન ખાન એવો અભિનેતા છે જેને વિવિધ વયજૂથના લોકો પસંદ કરે છે. છેલ્લા થોડા દિવસોથી સલમાન ખાન પોતાની ફિલ્મોને કારણે નહીં પરંતુ તેને મળેલી ધમકીના કારણે ચર્ચામાં છે.
સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આશરે બે મહિના પહેલા મળી હતી. જે બાદ એક્ટરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સલમાન ખાને સ્વરક્ષા માટે ગન લાયસન્સ મેળવવા માટે અરજી કરી હતી.
સોમવારે એક્ટરને મુંબઈ પોલીસ તરફથી ગન લાયસન્સ આપવામાં આવ્યું હોવાના સમાચાર આવ્યા હતા. જે બાદ સોમવારે રાત્રે સલમાન મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યો હતો. સલમાન નવી કાર અને વધારાના બોડીગાર્ડ સાથે આવ્યો હતો.
સલમાન ખાન વ્હાઈટ રંગની ટોયોટા લેન્ડ ક્રૂઝરમાં એરપોર્ટ પર પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, એક્ટરની આ દોઢ કરોડની કાર તેની નવી બુલેટપ્રુફ ગાડી છે. સલમાન ખાનની સાથે તેનો વર્ષો જૂનો બોડીગાર્ડ શેરા તો હતો જ સાથે જ નવો બોડીગાર્ડ પણ જાેવા મળ્યો હતો. ધમકી મળ્યા બાદ સલમાન ખાન પોતાની સુરક્ષાને લઈને વધુ સતર્ક થઈ ગયો છે.
સલમાનના એરપોર્ટ લૂકની વાત કરીએ તો, પિંક શર્ટ અને જિન્સમાં જાેવા મળ્યો હતો. સલમાન ખાને એરપોર્ટ પર મીડિયાને પોઝ આપવા રોકાયો નહોતો પરંતુ ત્યાં ‘લવ યુ સલમાનભાઈ’ કહી રહેલા ફેન્સનું અભિવાદન ચોક્કસથી કર્યું હતું. ધમકી મળ્યા બાદ સલમાન ખાને પોતાની અને પરિવારની સુરક્ષા ચુસ્ત કરી છે. સલમાન ખાનની ફિલ્મોના સેટ પર પણ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
એટલું જ નહીં તેના નિવાસસ્થાને પણ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે જ કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, ફિલ્મોના સેટ પર પણ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા છે.
ગયા મહિને સલમાન ખાને પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને ગન લાયસન્સ આપવાની રજૂઆત કરી હતી. સલમાન ખાનની અરજી વિધિવત્ રીતે આગળ વધી હતી અને બધી જ દસ્તાવેજી કાર્યવાહી ગત અઠવાડિયે પૂરી થયા બાદ રવિવારે સલમાન ખાનને લાયસન્સના પેપર્સ આપવામાં આવ્યા હતા.
વર્કફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન હવે ‘ટાઈગર ૩’, ‘કભી ઈદ કભી દિવાળી’, ‘કિક ૨’, ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલમાં જાેવા મળશે. ઉપરાંત શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’માં પણ તેનો કેમિયો છે.SS1MS