અભિનેત્રી મૌની રોયે જાહેર કર્યાં પોતાના બ્યૂટી સિક્રેટ

મુંબઈ, મૌની રોયે તાજેતરમાં જ એક ફેશન બ્રાન્ડ માટે રૅમ્પ વાક કર્યું હતું. જેમાં તે આખા કપાળને ઢાંકી દેતાં માંગટીકા સાથેના લૂકમાં જોવા મળી હતી. તેની ફેશન માટેની આ પસંદગીના કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ ગઈ હતી. કેટલાંક લોકોએ તેના પર કોસ્મેટીક પ્રોસીજરનાં પણ આક્ષેપ કર્યા હતા. તેના પર આ પ્રકારના આક્ષેપ વારંવાર થતા રહ્યા છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં મૌનીને આ અંગે પૂછાયું તો તેણે આ વિવાદથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેણે કહ્યું હતું કે તે યોગ્ય સમયે આ અંગે વાત કરશે.
આ સાથે મૌનીએ કબૂલાત પણ કરી હતી કે તેને આટલા અનુભવ પછી પણ જ્યારે રૅમ્પ વાક કરવાનું હોય ત્યારે ગભરામણ થાય છે. તેણે કહ્યું કે એક્ટિંગ અને ડાન્સ કરવાનો હોય તો તે આત્મવિશ્વાસથી ભરપુર હોય છે, પરંતુ રૅમ્પ વાક આજે પણ તેને નર્વસ કરે છે.
તે કહે છે કે પરંતુ આ મુંઝવણને તેના સ્ટેજ પ્રત્યેના પ્રેમ તરફ જ ધ્યાન આપીને દૂર કરે છે. સાથે જ મૌની રોયને નાગિન પછી બ્રહ્માસ્ત્રમાં પણ સુપર નેચરલ પાવર ધરાવતો રોલ કરતી જોઈને લોકોએ એવા પણ આરોપ લગાવ્યા હતા કે તે એક જ પ્રકારના રોલ કરે છે. આ અંગે તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, વાર્તા કેટલી મજબુત છે અને તેનું સ્ક્રિપ્ટમાં કેટલું મહત્વ છે, તે જોઇને પોતાના રોલ પસંદ કરે છે.
જો સ્ક્રિપ્ટમાં તેના માટે કોઈ પડકાર કે સ્પર્ષી જાય એવી બાબત ન હોય તો એ રોલ કરતી નથી. એક્ટિંગ સિવાય મૌનીના દેખાવ અને સુંદરતાના પણ વખાણ થતાં રહ્યાં છે, ત્યારે પોતાના બ્યૂટી કેર રુટીન અંગે મૌનીએ કહ્યું કે દિવસમાં ૮ થી ૧૦ ગ્લાસ પાણી અચૂક પીવે છે. ચહેરા પર અને ત્વચા પર સન સ્ક્રીન લગાવવાનું ક્યારેય ભુલતી નથી. તેમજ તે પોતાની ત્વચાને નિયમિત મોઇશ્ચરાઇઝ કરે છે.
આ સાથે તે ઘરમાં બનાવેલું એલોવેરા, હળદરનું ફેસપેક લગાવવામાં માને છે, શૂટ પૂરુ થયાં પછી મેક અપ તરત જ ઉતારી દે છે. તે રોજિંદા જીવનમાં બને તેટલો ઓછો મેક અપ કરવામાં અને સાફ ત્વચા રાખવામાં માને છે. તે અઠવાડિયે એક વખત ચહેરા પર મસાજ પણ કરે છે, જેથી બ્લડ સર્ક્યુલેશન જળવાઈ રહે. તે મેક અપ માટે પોતાની ત્વચા સાથે મેચિંગ ફાઉન્ડેશન, તેમજ આંખોમાં મસ્કરા અને લાઇનરનો ઉપયોગ કરે છે.SS1MS