અડાલજ પ્રાથમિક શાળાના ૧૬૦માં જન્મ દિને કેક કાપીને ગામમાં સામુહિક ઉજવણી કરવામાં આવી
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) પોતાની ગામની શાળા પ્રત્યે આત્મીયતા કેળવાય તેમજ નાગરિકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે અને રુચિ કેળવાય તે આશયથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા સરપંચ સંમેલનમાં પોતાના ગામની શાળાના જન્મદિવસની સામુહિક ઉજવણી કરવામાં આહવાન કર્યું હતું.
ગાંધીનગર જિલ્લાના અડાલજ ગ્રામ પંચાયત દ્વારા વડાપ્રધાનના આ ઉમદા વિચારને ચરિતાર્થ કરી ગામની શાળા અને ગ્રામજનો વચ્ચે સેતુ બંધાય તે પ્રકારે અડાલજ પ્રાથમિક શાળાની ૧૬૦માં જન્મ દિનની સામુહિક ઉજવણી કરવામાં આવી હતી.
કોઈ સરકારી પ્રાથમિક શાળાની જન્મદિવસની ઉજવણી થઈ હોય, તેમા પણ વિશેષ આત્મીયતા અને આટલા ઉત્સાહ સાથે ગ્રામજનો આ ઉજવણી પ્રસંગે જાેડાયા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે ત્યારે આ પ્રાથમિક શાળાની માહિતી આપતા અડાલજ ગ્રામ પંચાયતના સરપંચ બિનિતાબેન પ્રજ્ઞેશભાઈ પટેલે કહ્યું હતું કે, અડાલજ પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૫૯ વર્ષ પુરા થયા છે અને શાળાનો આ ૧૬૦ મો જન્મ દિવસ છે.
શાળાની સ્થાપના તા.૧લી જુલાઈ ૧૮૬૩ માં થઈ હતી અને ત્યાર બાદ તા.૧લી જુલાઈ ૧૯૮૭ના રોજ કન્યા શાળા અને કુમાર શાળા અલગ થઈ હતી. અડાલજ પ્રાથમિક શાળાની જન્મદિવસની ઉજવણી કેક કાપીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સરસ્વતી વંદના કરીને કરવામાં આવી હતી.
આ તકે અડાલજ પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરી ચૂકેલા અને હાલ વેલસેટ થઈ ગયેલા આગેવાનો દ્વારા અડાલજ પ્રાથમિક શાળાના વિકાસ માટે રાજ્ય સરકારની વતન પ્રેમ યોજનાનો લાભ લઈ શાળાને જરૂરી યોગદાન આપવાની તૈયારી પણ બતાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની વતન પ્રેમ યોજના અંતર્ગત મળેલા યોગદાનની સામે રાજ્ય સરકાર પણ તેમાં અનુદાન ઉમેરીને વિકાસ કાર્ય કરી રહી છે. દાતા દ્વારા ૬૦% યોગદાન સામે રાજ્ય દ્વારા ૪૦% અનુદાન આપવામાં આવે છે.
વતન પ્રેમ યોજના અંતર્ગત વિકાસ કાર્યોની યાદીમાં રાજ્ય સરકારે સ્કૂલ બિલ્ડિંગ, સ્કૂલ રૂમ અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, આંગણવાડી – મધ્યાહન ભોજન કિચન – સ્ટોર રૂમ, પુસ્તકાલય, અખાડા અને રમતગમત માટે મકાન અને સાધનો, સીસીટીવી કેમેરા સર્વેલન્સ સિસ્ટમ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાહિતના કામોને આવરી લીધા છે.
અડાલજ પ્રાથમિક શાળાની ઉજવણી પ્રસંગે જિલ્લા સદસ્ય જયાબેન ઠાકોર, તાલુકા સદસ્ય રતનબેન ચાવડા, અડાલજ ગ્રામપંચાયતના તમામ સભ્યો, ગામના આગેવાનો તેમજ આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત બંને શાળાના શિક્ષકઓ ઉપસ્થિત રહ્યા હતા.