ભારે વિવાદોની વચ્ચે અદાણીએ ઈઝરાયેલનું હાઈફા બંદર ખરીદ્યું
નવી દિલ્હી, હિંડનબર્ગના રિપોર્ટ બાદ વિવાદમાં આવેલા અદાણી ગ્રુપે ઈઝરાયેલનું હાઈફા બંદર હસ્તગત કરીને મોટું પરાક્રમ કર્યું છે. આ માટે જૂથે ૧.૨ બિલિયન ડોલર ચૂકવ્યા છે. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નોર ગિલોને બુધવારે જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપે હાઈફા પોર્ટ હસ્તગત કરવા માટે સંપૂર્ણ ચુકવણી કરી છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયાના ૩૦ વર્ષ પૂરા થવા પર નોર ગિલોને કહ્યું કે, અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવેલું રોકાણ રાજકીય રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, અદાણી ગ્રુપ ઈઝરાયેલમાં વધુ રોકાણ કરશે.
નોર ગિલોને કહ્યું કે, મેડિટેરેનિયમમાં અમારી પાસે બે બંદરો છે. હાઈફા એક વ્યૂહાત્મક સંપત્તિ છે. અમે તેને એક ભારતીય કંપનીને આપી છે. તે અમારા દૃષ્ટિકોણથી ખૂબ જ પ્રતીકાત્મક સંદેશ ધરાવે છે. ભારત સાથેના અમારા સંબંધો એટલા વિશ્વાસથી ભરેલા છે કે, અમે એક વ્યૂહાત્મક સંપત્તિ ભારતીય કંપનીને સોંપી દીધી છે. અદાણી ગ્રુપે ૧.૨ બિલિયન ડોલરમાં હાઈફા બંદર હસ્તગત કર્યો છે.
આ ઉપરાંત કંપનીએ તેલ અવીવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લેબ ખોલવા સહિત ઈઝરાયેલમાં વધુ રોકાણ કરવાનું વચન આપ્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અદાણી ગ્રુપ સાથે હાઈફા બંદર ડીલને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આનાથી ભારત અને ઈઝરાયેલ વચ્ચેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો થશે. SS2.PG