વિમેન્સ પ્રિમિયર લીગ માટે અદાણી ગ્રૂપે મિતાલી રાજને મેન્ટર બનાવી
અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીવાળી ટીમ વિમેન્સ પ્રિમિયર લીગની પ્રારંભિક સિઝનમાં પદ્મશ્રી મિતાલી રાજની મેન્ટરશિપમાં ઉતરશે
અમદાવાદ, અદાણી ગ્રૂપના સ્પોર્ટ્સ યુનિટ અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજને વિમેન્સ પ્રિમિયર લીગની પ્રારંભિક સિઝનમાં ભાગ લેનારી અમદાવાદની અદાણી જૂથની માલિકીવાળી ટીમના મેન્ટર અને સલાહકાર તરીકે નિમણૂંક કરી છે.
મિતાલીએ પોતાના લાંબા કરિયર દરમિયાન ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન અને પોતે હાંસલ કરેલી સિદ્ધિઓ થકી ઘણા એવોર્ડ્સની સાથે પ્રશંસા મેળવી છે. આ સાથે મિતાલીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા ક્રિકેટને લાઈમલાઈટમાં લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
સલાહકાર તરીકે મિતાલી મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું કામ કરવાની સાથે ગુજરાતમાં પાયાના સ્તરે ક્રિકેટના વિકાસ માટે મદદરૂપ થશે.
ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજે આ પ્રસંગે કહ્યું કે,”વિમેન્સ પ્રિમિયર લીગની પ્રારંભિક સિઝન એ મહિલા ક્રિકેટ માટે શાનદાર ડગલું છે. આ સાથે અદાણી ગ્રૂપની ભાગીદારી એ રમત માટે શાનદાર પાસું છે.” મિતાલીએ આગળ કહ્યું કે,”વિમેન્સ ક્રિકેટ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે.
જ્યારે પ્રકારના પ્રોત્સાહન થકી યુવા ખેલાડીઓને ક્રિકેટને પ્રોફેશનલ કરિયર તરીકે પસંદ કરવા અંગે પ્રોત્સાહિત કરશે. કોર્પોરેટ્સની વધુમાં વધુ ભાગીદારી એ ભારતની ખ્યાતિમાં વધારો કરવાનું માધ્યમ બની શકે છે. આ સ્તરનો પ્રભાવ રમતની ઈકોસિસ્ટમને મજબૂત કરવાની સાથે મહિલા એથ્લિટ્સ માટે તકો વધારવાનું કાર્ય કરી શકે છે.”
અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું કે,”મિતાલી રાજ એ યુવા પેઢી માટે એક રોલ મોડલ છે અને અમને આવા પ્રેરણારૂપી એથ્લિટને મહિલા ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે નિમણૂંક કરવા બદલ આનંદની લાગણી અનુભવીએ છીએ” આ સાથે તેમણે કહ્યું કે,”અમે અમારા ‘ગર્વ હૈ’ અભિયાન હેઠળ વિવિધ રમતોની મહિલા ખેલાડીઓને સપોર્ટ કરી ચૂક્યા છે,
એવામાં અદાણી ગ્રૂપ પ્રથમવાર મહિલા ક્રિકેટમાં પ્રવેશી રહ્યું છે. જેથી વિમેન્સ ક્રિકેટ લીગના માધ્યમથી અમને રમતોમાં મહિલાઓને આગળ વધારવાની શ્રેષ્ઠ તક મળી છે. અમે માનીએ છીએ કે મિતાલી રાજ જેવા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટિંગ હીરોઝને કારણે માત્ર ક્રિકેટમાં જ નહીં પરંતુ અન્ય રમતોમાં પણ નવા ટેલેન્ટને આકર્ષી શકાય છે, જેથી પ્રોફેશનલ સ્પોર્ટ્સની ઈકોસિસ્ટમને બદલી શકાય.”
મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડીઓમાં સામેલ મિતાલી રાજે પોતાના વન-ડે કરિયરનો પ્રારંભ ડેબ્યૂ વખતે સદી સાથે કર્યો હતો. મિતાલી મહિલા વન-ડેમાં હાઈએસ્ટ રન સ્કોરર છે, જ્યારે ટી-20માં તેના નામે 17 જેટલી અડધી સદી છે. દિગ્ગજ ભારતીય ક્રિકેટર 2017માં મહિલા વન-ડે વર્લ્ડ કપમાં રનર અપ રહેનારી ભારતીય મહિલા ટીમની કેપ્ટન રહી ચૂકી છે.
આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલા 2018ના ICC વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સુધી પહોંચનારી ભારતીય મહિલા ટીમમાં પણ તે સામેલ હતી.
અદાણી સ્પોર્ટ્સલાઈન કબડ્ડી, ખો-ખો તથા પુરુષ ક્રિકેટમાં ટીમો ધરાવે છે. આ ઉપરાંત દરવર્ષે અદાણી અમદાવાદ ભારતીય આર્મ્ડ ફોર્સેસ સાથેની સુદૃઢતા હેઠળ મેરેથોનનું આયોજન કરે છે.