Western Times News

Gujarati News

ઓનલાઇન ગેમિંગની લતને કારણે શો રૂમના મેનેજરને ચોરી કરવી પડી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે આવેલા દેવાર્ક મોલમાં આવેલી ફોનબુક મોબાઈલ શોરૂમનાં મેનેજર ની સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. મોબાઇલ શોરૂમ માંથી મોબાઇલ અને રોકડ રૂપિયાની ચોરીની ફરિયાદ કંપની દ્વારા નોંધાવવામાં આવી હતી.

જે મામલે પોલીસે શો રૂમમાં મેનેજર તરીકે કામ કરતા જગદીશ ઉર્ફે જેડીની ધરપકડ કરી છે. મેનેજર જગદીશે છેલ્લા છ મહિનામાં શોરૂમ માંથી જ ૨૧ લાખથી વધુના ૨૬ મોબાઇલ તેમજ ૧૫ લાખથી વધુની રોકડ રૂપિયાની ચોરીઓ કરી છે. જેને લઈને કંપની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શોરૂમ નો મેનેજર જગદીશ ઉર્ફે જેડી છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો જેમાં તેને લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. ઓનલાઇન ગેમિંગની લતને કારણે મેનેજરે પોતાના જ શો રૂમમાંથી ચોરીઓ કરવાનું નક્કી કર્યું હતું અને છેલ્લા છ મહિના દરમિયાન તેણે અલગ અલગ કંપનીના ૨૬ જેટલા મોબાઈલઓ તેમજ સમયાંતરે રોકડા રૂપિયાની ચોરીઓ કરી હતી. મેનેજર જગદીશ જ્યારે પણ ઓનલાઈન ગેમમાં રૂપિયા હારતો હતો ત્યારે તે મોબાઇલ અથવા તો રોકડની ચોરી કરી પૈસા ભરપાઈ કરતો હતો.

મોબાઈલ શોરૂમ કંપનીમાં જ્યારે ઓડિટ આવ્યું તે સમયે મેનેજર દ્વારા ૨૬ જેટલા મોબાઈલ ફોનના ડુપ્લીકેટ બીલો રજૂ કર્યા હતા. તેમજ ઓનલાઇન ટ્રાન્સફર કરેલા રૂપિયાના કોડમાં પણ છેડછાડ કરી હતી. જેને કારણે ઓડિટ સમયે શંકા જતા કંપની દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં મેનેજર દ્વારા ખોટા બીલો રજૂ કરી મોબાઇલ વેચાણ કર્યા હતા.

તેમજ રોકડ રકમમાં પણ બે લાખ રૂપિયા ઓડિટ સમયે ઓછા હોવાનું સામે આવતા સમગ્ર ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. જેના આધારે કંપની દ્વારા સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ તો ફરિયાદને આધારે સેટેલાઈટ પોલીસે શોરૂમ મેનેજર જગદીશ ઉર્ફે જેડી ની ધરપકડ કરી છે. તેની સાથે પોલીસે રાજકુમાર નાયક નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે.

પોલીસને બંને આરોપીઓ પાસેથી નવ જેટલા મોબાઈલ તેમજ એક લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. સમગ્ર કેસમાં મેનેજર દ્વારા બિલ વગરના ફોન કોને કોને આપવામાં આવ્યા છે તેમજ શોરૂમ નો અન્ય કોઈ કર્મચારી સમગ્ર કેસમાં સંડોવાયેલો છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.