આદિજાતિ સમુદાયના લોકોની કળા અને સંસ્કૃતિ દર્શાવતા પ્રદર્શનનું અમદાવાદમાં આયોજન
અમદાવાદ હાટ ખાતે “આદિ મહોત્સવ”ને ખુલ્લો મુકાયો
Ø – આદિજાતિ સમુદાયનો વર્તમાન વિકાસ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ
Ø – આદિ મહોત્સવ એ આપણા વારસાનું સન્માન અને ગૌરવ કરવાનો અવસર
Ø – આદિજાતિ સંસ્કૃતિ અને કળાને દેશ અને દુનિયા સુધી લઈ જવા આવા આયોજનો જરૂરી
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ હાટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોએ અમદાવાદ હાટ ખાતે “આદિ મહોત્સવ”ને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે આદિજાતિ સમુદાયનો થયેલો વિકાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. તેમણે કહ્યું કે, આદિ મહોત્સવ એ આપણા આદિજાતિ વારસાનું સન્માન અને ગૌરવ કરવાનો અવસર છે. આદિજાતિ સંસ્કૃતિ અને કળાને દેશ અને દુનિયા સુધી લઈ જવા માટે આવા આયોજનો જરૂરી છે. એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરતા કહયું કે, તેમણે ૨૦૦૬માં કચ્છના સફેદ રણ માટે કહેલી વાત સાચી સાબિત થઈ. આજે દુનિયાભરના પ્રવાસીઓ ધોરડોની મુલાકાત લઈ રહ્યા છે. તાજેતરમાં આયોજિત G20ના સત્રમાં પણ દુનિયાના ખૂણે-ખૂણેથી વિદેશી મહેમાનોએ સફેદ રણની મુલાકાત કરી હતી. એમ તેમણે ઉમેર્યું.
મુખ્યમંત્રીશ્રીએ આ આયોજનને વોકલ ફોર લોકલના સૂત્રને સાર્થક કરતું ગણાવી ઉમેર્યું કે, આદિ મહોત્સવથી આદિજાતિ સમુદાયના કારીગરોને આત્મનિર્ભર બનવા માટે આર્થિક આધાર મળશે. જેનાથી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની વિભાવના સાકાર થશે. એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ ધરતી પર આદિજાતિ સમુદાયના કલ્યાણ માટે આવા આયોજનો અવિરત ચાલતા રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આદિજાતિ સંસ્કૃતિને નવા ભારત સાથે જોડી આગળ વધારવાની નેમ છે. તેમણે કહ્યું કે જે આદિજાતિ સમુદાય અને માતૃભૂમિના રક્ષણ માટે ભગવાન બિરસા મુંડાના બલિદાનનું કેન્દ્ર સરકાર સન્માન કરે છે.
શ્રી અર્જુન મુંડાએ કહ્યું કે, આગામી સમયમાં આદિજાતિ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ વધારવા ખાસ યોજના લાવવાનું પણ કેન્દ્ર સરકારનું આયોજન છે. અંતે તેમણે અમદાવાદના નાગરિકોને આ આદિ મહોત્સવમાંથી ખરીદી કરીને આદિજાતિ સમુદાયના કારીગરોને પ્રોત્સાહન અને સન્માન આપવા અપીલ કરી હતી.
આજના સમારોહમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, દેશભરમાંથી આવતા આદિજાતિ સમુદાયના લોકોની કળા અને સંસ્કૃતિ દર્શાવતા પ્રદર્શનનું આયોજન ગુજરાતમાં થવું તે સહુ ગુજરાતીઓ માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આદિજાતિ સમુદાયને વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ થઈ રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીના પ્રોત્સાહક અભિગમને પગલે જ રાજ્યમાં ૮૪ જેટલા વનધન કેન્દ્રો સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી રહ્યા છે. એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજયમંત્રી શ્રી કુંવરજી હળપતિએ પોતાના સંબોધનમાં આદિજાતિઓના વિકાસ માટે ઇતિહાસનું સૌથી મોટું બજેટ આપવા બદલ આભાર મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર સરકારનો આભાર માન્યો હતો.
આજના અવસરે સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્ય શ્રી અમિતભાઇ ઠાકર, શ્રી દિનેશસિંહ કુશવાહ તથા અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, ટ્રાઇફેડના ચેરમેન શ્રી રામસિંહ રાઠવા સહિતના આમંત્રિત મહાનુભાવો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આયોજિત આ બીજો “આદિ મહોત્સવ” છે. જે ત્રીજી નવેમ્બર સુધી ચાલનાર છે. જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોના સ્ટોલ્સ પર હસ્તકલા અને આદિજાતિ સમુદાયની કળા અને સંસ્કૃતિને દર્શાવતી વસ્તુઓ મુકવામાં આવી છે. અગાઉ ૨૦૧૮માં “આદિ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું હતું.