વસ્ત્રાલમાં આધુનિક સુવિધાયુક્ત મ્યુનિ. અંગ્રેજી માધ્યમ સ્કૂલનું મેયર દ્વારા લોકાર્પણ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સામાન્ય નાગરિકોના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તેમજ બાળકો અત્યાધુનિક સુવિધાઓ યુક્ત, આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ ડિજીટલ શિક્ષણ મેળવી શકે તેવા ઉત્કૃષ્ઠ હેતુથી મહાનગરના દરેક વોર્ડમાં ખાનગી શાળાઓ કરતાં પણ શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવતી શાળાઓ બનાવવામાં આવી રહી છે.
જે અંતર્ગત મંગળવારે આદિનાથનગર વિસ્તારમાં તમામ સુવિધાઓથી સજ્જ, હવા ઉજાસવાળું ભવન અને વિશાળ મેદાન ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની નવનિર્મિત આદિનાથ પબ્લીક સ્કૂલનુ માનનીય મેયર પ્રતિભાબેન જૈનના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ આ પ્રસંગે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયની જરૂરિયાત મુજબ આપણા આદિનાથનગર વિસ્તારના વિદ્યાર્થીઓ અંગ્રેજી અને કોમ્પ્યુટર શિક્ષણ મેળવે સાથે સાથે સુવિધાયુક્ત અને વિશાળ મેદાન ધરાવતી શાળામાં તેમનો સર્વાંગીણ વિકાસ થાય તેવા શુભઆશય રહેલો છે
સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું કે અમદાવાદ પશ્ચિમ અને પૂર્વનો સમતોલ વિકાસ થાય તે માટેના અમારા પ્રયાસો આપ જોઇ રહ્યા છો. આજે મને કહેતા આનંદ થાય છે કે આવી કોલેજના બિલ્ડીંગ કરતા પણ આદિનાથનગર મ્યુનિ. શાળાનું ભવ્ય બિલ્ડીંગ કે જે ૪૦૩.૨૧ લાખ અને જમીનની કિંમત ૨૧ કરોડ એમ કુલ ૨૫ કરોડની કિંમતે વિશાળ કેમ્પસ ધરાવતી અદ્યતન સ્કૂલ આ વિસ્તારની આવનારી પેઢીને શિક્ષણની ઉજ્જવળ તકો મળે તે માટેના અમારા પ્રયાસો છે અને રહેશે.
અધ્યક્ષ સ્થાનેથી મેયર પ્રતિભાબેન જૈન દ્વારા તેમના વક્તવ્યમાં રાજ્ય સરકારની મુખ્યમંત્રી પુરસ્કૃત વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાનો દીકરીઓ લાભ મેળવી શિક્ષિત બને તે સૌની સહિયારી જવાબદારી છે.