Western Times News

Gujarati News

આ યુવતીએ ગોળમાંથી ચોકલેટ બનાવીઃ વાર્ષિક 12થી 14 લાખનું ટર્નઓવર

સાફલ્ય ગાથા-સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ લોન યોજના થકી અદિતિ બની આત્મનિર્ભર આંત્રપ્રેન્યોર-21 વર્ષની અદિતિએ SSIP 2.0 યોજના હેઠળ સહાય લઈને શરૂ કરેલો વ્યવસાય દેશભરમાં ફેલાયો

ગોળથી અને સ્વદેશી કાચા માલથી બનતી ગુડલીલી ચોકલેટ બની વોકલ ફોર લોકલનું પ્રતીક

‘ગુડલીલી’, જેની ટેગલાઈન છે ‘ફ્રોમ હોમ કિચન ટુ ગ્લોબલ ડિલાઈટ’.

પોતાના વ્યવસાયમાં અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધતી અદિતિ

સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ લોન સહાય મેળવી અમદાવાદથી સમગ્ર દેશમાં પ્રસરેલો 21 વર્ષની અદિતિનો વ્યવસાય એટલે ગુડલીલી ચોકલેટ

કોરોના કાળમાં અદિતિ ઘરે બેઠા શોખથી વિવિધ પ્રકારની ચોકલેટ બનાવતી હતી. એક સમયે જ્યારે અદિતિ ઘરે પોતાના હાથે ચોકલેટ બનાવી રહી હતી ત્યારે અદિતિના પિતા પિયૂષભાઈ પંચાલે તેને આ ચોકલેટને વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવવાનો નુસખા શીખવ્યા.

બજારમાં મળતી ‘ડાયટ ચોકલેટ’માં પણ ખાંડ(રિફાઇન્ડ શુગર)નો ઉપયોગ થતો હોય છે ત્યારે, તેને સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે અદિતિએ દેશી ગોળનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો હતો. ગોળમાં રહેલા પોષક તત્ત્વોથી ચોકલેટની મીઠાશ જળવાઈ રહે છે અને સાથે તે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક પણ બને છે. ખૂબ જ રિસર્ચ અને ડેવલપમેન્ટ બાદ અદિતિએ એકદમ નાના પાયે પોતાના ઘરમાં જ ગોળ આધારિત ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું હતું.

અદિતિએ ઘરમાં ચોકલેટ બનાવવાની આ સંપૂર્ણ પ્રક્રિયા જાત મહેનતે જ શરૂ કરી હતી. ધીમે ધીમે પોતાના કુટુંબના સભ્યોની મદદથી, ફાર્મા કંપનીમાં પોતાની પ્રોડક્ટ ભેટ સ્વરૂપે આપી શકાય, તે માટે નાના પાયે કામ શરૂ કર્યું હતું.

વર્ષ 2021માં અદિતિએ પોતાના વ્યવસાયને આગળ વધારવાનું નક્કી કર્યું હતું. પોતાના વ્યવસાયની સ્થાપના કરી તેને નામ આપ્યું ‘ગુડલીલી’, જેની ટેગલાઈન છે ‘ફ્રોમ હોમ કિચન ટુ ગ્લોબલ ડિલાઈટ’. ઘરેથી જ ચોકલેટ બનાવવાના એક નાના મશીનના સહારે ચોકલેટનું ઉત્પાદન શરૂ કર્યાં બાદ અદિતિએ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી થકી SSIP 2.0(સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન પોલિસી 2.0) હેઠળ વર્ષ 2023માં રૂ. 1,20,000ની સહાય મેળવી હતી.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી(SSIP) 2.0 એ ગુજરાત સરકારનો એક કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય એક જીવંત, યુનિવર્સિટી-આધારિત નવીન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે. તે વિદ્યાર્થી સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને સહાય પૂરી પાડે છે, ભંડોળ, માર્ગદર્શન, ઇન્ક્યુબેશન અને ઉદ્યોગ નેટવર્ક્સ સુધી પહોંચ પ્રદાન કરે છે. આ નીતિનો ધ્યેય વિદ્યાર્થીઓને નવીન વિચારોને સફળ વ્યવસાયોમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવાનો છે, જે ગુજરાતના આર્થિક વિકાસમાં ફાળો આપે છે.

અદિતિએ ગુજરાત સરકાર પાસેથી સહાય મેળવ્યા બાદ અમદાવાદના શાસ્ત્રીનગરમાં પોતાના ઘર પાસે જ એક નાની જગ્યામાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. એકાદ વર્ષના સમય બાદ અદિતિએ પોતાના વ્યવસાયને સમગ્ર દેશમાં પ્રસરાવવા માટેના પણ પ્રયત્ન શરૂ કરી દીધા હતા અને તેને આગળ વિકસાવ્યો હતો.

અદિતિ ગુડલીલી ચોકલેટના ઉત્પાદન માટે પોતાના કુટુંબના સભ્યોની મદદ લેતી હતી, ત્યારે હવે તે અન્ય ત્રણથી ચાર બહેનોને પણ રોજગારી પૂરી પાડે છે. મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધતી ૨૧ વર્ષની અદિતિ સ્વરોજગારી સાથે અન્ય બહેનોને પણ રોજગારી પૂરી પાડે છે.

અદિતિ પોતાની બ્રાન્ડ ગુડલીલી સાથે દિલ્હીના સોર્સએક્સ્પો અને અમદાવાદ સાયન્સ સિટી ખાતે આયોજિત ટ્રેડ એક્સપોમાં પણ ભાગ લઈ ચૂકી છે. ગુડલીલી ચોકલેટની ખાસ વાત એ છે કે, દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના સૂત્રને સાકાર કરતા તેના ઉત્પાદનમાં ફક્ત સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે છે.

જેમ કે, કોકોઆ પાવડર, કોકોઆ બટર, ગોળ, મિલ્ક પાવડર, એડિબલ ફેટ અને અન્ય મિશ્રણોથી આ ચોકલેટ તૈયાર કરવામાં આવે છે. સાથે જ, ગુડલીલી ચોકલેટમાં ખાંડની જગ્યાએ ફક્ત દેશી ગોળનો જ ઉપયોગ કરવામાં આવે છે. ગુડલીલી ચોકલેટમાં ફક્ત સમગ્ર દેશના અલગ અલગ ખૂણામાંથી મગાવવામાં આવેલી સ્વદેશી કાચી સામગ્રીઓનો જ ઉપયોગ કરવામાં આવે છે.

હાલમાં ગુડલીલી વાર્ષિક 12થી 14 લાખનું ટર્નઓવર ધરાવે છે. ગુડલીલી ચોકલેટનો વ્યવસાય હાલમાં આખા ભારત દેશમાં પ્રસરેલો છે. અદિતિ તેના વ્યવસાયને હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ  લઈ જવા માટે પણ કટિબદ્ધ છે. અદિતિ જેવી વિદ્યાર્થિનીઓ પોતાના રસપ્રદ કે ‘ઈનોવેટિવ’ વિચાર સાથે સ્ટાર્ટઅપ અને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે તે માટે ગુજરાત સરકાર ખૂબ જ મદદરૂપ બને છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ લોન સાથે ઉજ્વળ ભવિષ્ય બનાવવા માટે સરકાર  વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સહાય પૂરી પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.