Western Times News

Gujarati News

આદિત્યએ ડાન્સ દિવાને જૂનિયર્સ જીતીને સાકાર કર્યું દાદાનું સપનું

મુંબઈ, ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને જૂનિયર્સનું ગ્રાન્ડ ફિનાલે રવિવારે યોજાયું હતું. આઠ વર્ષના આદિત્ય પાટીલે શોનો વિજેતા બન્યો છે. પોતાના કોરિયોગ્રાફર પ્રતીક ઉટેકર સાથે મળીને ડાન્સ દિવાને જૂનિયર્સ’ની ટ્રોફી ઊંચકતા આદિત્યને ગર્વ અને આનંદ થઈ રહ્યો હતો.

સુરતના આદિત્ય પાટીલને ટ્રોફીની સાથે ૨૦ લાખ રૂપિયા કેશ પ્રાઈસ મળી છે. આ રકમ આદિત્ય પોતાના દાદાને આપવા માગે છે. સાથે જ આદિત્યએ પોતાની આ જીત દાદાને સમર્પિત કરી છે. ઈન્ટરવ્યૂમાં આદિત્યએ કહ્યું, “મારા દાદા મને શો જીતતો જાેવા માગતા હતા એટલે હું આ ટ્રોફી તેમને સમર્પિત કરું છું.

પ્રતીક સરે મને પ્રેરણા આપી, મને સતત પ્રયત્ન કરવા પ્રેર્યો, સાથ આપ્યો અને મને ડાન્સ શીખવ્યો તેના માટે આભારી છું. તેમના લીધે જ હું વિજેતા બની શક્યો છું.

આદિત્યને પૂછવામાં આવ્યું કે, ૨૦ લાખ રૂપિયાની ઈનામની રકમ મળી છે તેનાથી શું કરશે? ત્યારે તેણે કહ્યું, “હું જીતની રકમ મારા દાદાને આપીશ જેથી તેઓ મોટું ઘર ખરીદી શકે.” ઉલ્લેખનીય છે કે, આદિત્યને ડાન્સ શીખવવામાં તેના દાદાનો ફાળો મહત્વનો છે.

આદિત્ય ડાન્સ શીખી શકે તે માટે તેઓ લારી લઈને ફળ વેચવા જાય છે. તેમનું કહેવું છે કે, આદિત્ય ડાન્સના ક્ષેત્રે ખૂબ આગળ વધે તે માટે તેઓ મહેનત કરવા તૈયાર છે. આદિત્ય અગાઉ ખુલાસો કરી ચૂક્યો છે કે તેના દાદા તેને ડાન્સ ક્લાસ લઈને જતા હતા અને પ્રોત્સાહિત કરતા હતા.

આદિત્ય છેલ્લા બે વર્ષથી મુંબઈમાં રહે છે જ્યારે તેના દાદા-દાદી સુરતમાં રહે છે. ડાન્સ દિવાને જૂનિયર્સ’ના સેટ પર આદિત્યનું તેના ફેવરિટ એક્ટર ટાઈગર શ્રોફને મળવાનું સપનું પણ પૂરું થયું હતું. તેણે આ વિશે વાત કરતાં કહ્યું, “જ્યારે બધા જ જજીસ મને હીરો કહેતા હતા ત્યારે મને ખૂબ ગમતું. મેં મારા સપનામાં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે હું ટાઈગર શ્રોફ સરને મળી શકીશ. તેમને મળવાનું સપનું મારું આ શોમાં આવીને પૂરું થયું.

શોમાં જેમ જેમ લેવલ વધતા ગયા તેમ તેમ પ્રતીક સરે મને વધુને વધુ મહેનત કરાવી અને આજે હું શો જીતી ગયો છું. આદિત્ય ટ્રોફી જીતી જતાં પ્રતીક પણ ખૂબ ખુશ છે. તેણે આદિત્યના સમર્પણ અને મહેનતને જીતનો શ્રેય આપ્યો છે. પ્રતીકે કહ્યું, “છેલ્લા ત્રણ-ચાર મહિના ખૂબ યાદગાર રહ્યા હતા. અમારી જર્ની શરૂ થઈ ત્યારે અમારી ગેંગ હતી. અમે ટોપ ૧૫થી શરૂ કર્યું હતું. સોલો

, ગ્રુપ, ડ્યૂઓ સહિતના પાંચ કન્ટેસ્ટન્ટ અમારી સાથે હતા અને અને નક્કી નહોતું કર્યું કે શોમાં કઈ રીતે આગળ વધીશું પરંતુ મને લાગે છે કે, આદિત્યનું સમર્પણ અને મહેનત અમને વિજેતા બનાવી શક્યો. અમે ક્યારેય અપેક્ષા નહોતી રાખી કે અમે જીતીશું. જ્યારે પણ અમે સ્ટેજ પર જતાં ત્યારે અમારું શ્રેષ્ઠ આપીએ તે જ ધ્યાન રાખતા હતા.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.