રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઇમારતો બનાવવાની જાહેરાત પોકળ સાબિત થઈ

રીવરફ્રન્ટની જમીનના ૭ પ્લોટ વેચાણ કરવા બાબતે દેશ-વિદેશની કોઇ પણ કંપનીઓ દ્વારા હજુ સુધી કોઇ સકારાત્મક પ્રતિભાવ મળ્યા નથી.
રિવરફ્રન્ટ પર એકમાત્ર ડેવલપમેન્ટ એટલે કમિશનર ની ઓફિસ : કોંગ્રેસ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરની સાબરમતી નદીને ડેવલપ કરવા માટે 1997ની સાલ માં રિવરફ્રન્ટ ડેવપલમેન્ટ લિમિટેડ ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ તેના માટે સૌથી મોટી સમસ્યા ફંડ ની હતી. તેથી મ્યુનિસિપલ કોર્પોરેશને સરદાર પટેલ સ્ટેડિયમ સહિત અનેક કિંમતી મિલ્કતો ગીરવે મૂકી હતી.
રાજ્ય સરકારે રિવરફ્રન્ટ ડેવલપ થયા બાદ તેની જમીનના વેચાણ કરી દેવું પૂર્ણ કરવા માટે આશ્વાસન આપ્યું હતું. સરકાર ના આ આશ્વાસન ના ભરોસે મ્યુનિ. કોર્પોરેશને રૂ.2000 કરોડ કરતા વધુ રકમ રિવરફ્રન્ટ લિમિટેડ ને આપી છે. પરંતુ રીવરફ્રન્ટ ની આસપાસ મ્યુનિસિપલ કમિશનર ઓફિસ સિવાય કોઈ જ ડેવલપમેન્ટ થયું નથી અને કોર્પોરેશન ની તિજોરી ખાલી થઈ રહી હોવાના આક્ષેપ કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબઅમદાવાદ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરનાર રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે કેન્દ્ર સરકાર કે રાજ્યસરકાર દ્વારા કોઇ પણ જાતની નાણાંકીય મદદ કરવામાં આવી નથી તેમજ રીવરફ્રન્ટની જમીનનું વેચાણ કરવા રાજ્ય સરકાર દ્વારા અંત્યંત મંદ ગતિથી અણધડ વેચાણ પોલીસી બનાવવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે.
રીવરફ્રન્ટ કોર્પો. દ્વારા જમીનોનું વેલ્યુએશન કરાવવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ સત્તાધીશોની નિયતમાં ખોટ આવતાં કમિટી દ્વારા જમીનના ડેવલપમેન્ટ રાઇટસ ૯૯ વર્ષ માટે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતું.
પરંતુ રીવરફ્રન્ટની જમીનના ૭ પ્લોટ વેચાણ કરવા બાબતે આઈ.ટી. કંપનીઓ કોર્મશિયલ કોમ્પલેક્ષ કે બિઝનેસ હબ બનાવવા તથા બિઝનેસ કરતી દેશ-વિદેશની કોઇ પણ કંપનીઓ દ્વારા હજુ સુધી કોઇ સકારાત્મક પ્રતિભાવ મળ્યા નથી.
જેથી હાલ ફકત એક જ પ્લોટ વલ્લભ સદન નજીક ૨૭,૯૪૩ ચો.મી. માંથી ૪૦૦૦ ચો.મી. નો ડેવલપમેન્ટ રાઇટ્સ માટે વેચાણ આપ્યો છે. તેને કારણે પ્રતિદિન સાબરમતી રીવરફ્રન્ટ કોર્પો. ઉપર નાણાંકીય ભારણ વધી રહ્યું છે.
હવે જ્યારે સાબરમતી રીવરફ્રન્ટ ઉપર રૂા.૨૫૪૨ કરોડનો મ્યુનિ.કોર્પોનો નાણાંકીય બોજો છે તે બોજો દુર કરવા તેમજ મ્યુનિ.કોર્પોની તીજોરીની પરિસ્થિતિ હળવી કરવા માટે ભાજપના સત્તાધીશો દ્વારા રીવરફ્રન્ટની જમીનો પર અવનવા એન્ટરટેઇનમેન્ટ માટેના વિવિધ પ્રોજેકટો જેવા કે, ઝીપ લાઇન, બોટીંગ, ક્રુઝ, કાયા કીગ લાવવામાં આવ્યા હતા.
જે તમામ પ્રોજેકટ મોટે ભાગે નિષ્ફળ પુરવાર થયાં તે પૈકી બોટીગના કોન્ટ્રાકટર દ્વારા તો પુરતી પરમીશન પણ લેવામાં આવી ન હતી અને મ્યુ.કોર્પો. દ્વારા રીવરફ્રન્ટ ખાતે બનાવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ અદાણીને આપવામાં આવ્યું છે.તેથી સાબરમતી રીવરફ્રન્ટ એક બીઝનેસ હબ તરીકે બનાવવાનું એક સપનું હતું તે સપનું પણ મૃગજળ સમાન બની ગયું છે
અમદાવાદ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરનાર તેમજ ભાજપ દ્વારા ડ્રીમ પ્રોજેકટ તરીકે ગણાવાતા રીવરફ્રન્ટ પ્રોજેકટની જમીન વેચાણ કરવા બાબતે ભાજપના સત્તાધીશો દ્વારા મંદ ગતિથી તેમજ અણધડ અને નિષ્ફળ પોલીસી બનાવવાને કારણે રીવરફ્રન્ટ પ્રોજેકટ મ્યુનિ.કોર્પો માટે સફેદ હાથી સમાન બની ગયો છે જે સત્તાધારી પક્ષના અણઘડ વહીવટનો વાઇબ્રન્ટ નમુનો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.