Western Times News

Gujarati News

મણિપુરના ૫ જિલ્લાના ૬ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફરી એએફએસપીએ લદાયો

મણિપુર, વંશિય હિંસાને પગલે કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ સહિત છ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ ફરીથી લાગુ કર્યાે હતો.

પોલીસે જીરીબામ અને ચુરાચંદપુર જિલ્લામાંથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરાયા હોવાની જાહેરાત કર્યા પછી કેન્દ્ર સરકારે આ અંગેનું નોટિફિકેશન જારી કર્યું હતું.

આ ધારા હેઠળ શસ્ત્રદળોને સર્ચ, ધરપકડ અને ફાયરિંગ સહિતની વ્યાપક સત્તાઓ મળે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે વંશિય હિંસાને કારણે સ્થિતિ પ્રવાહી હોવાથી આ નિર્ણય કરાયો હતો.

બુધવારે જીરીબામ જિલ્લાના ચંપાનગર, નારાયણપુર અને થાંગબોઇપુંજરે વિસ્તારોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન, એક ૨ ઇંચ મોર્ટાર, છત્રીસ જીવંત બેરલ કારતુસ અને પાંચ ખાલી બેરલ કારતુસ જપ્ત કરાયા હતા.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચુરાચંદપુર જિલ્લાના એચ કોટલિયન ગામમાંથી પણ એક .૩૦૩ રાઈફલ, એક ૯ એમએમ પિસ્તોલ, બે ટૂંકી રેન્જની સ્થાનિક રીતે બનાવેલી તોપ, બે લાંબા અંતરની સ્થાનિક રીતે બનાવેલી તોપ, પાંચ એકે ૪૭ લાઈવ રાઉન્ડ, બે ૯ એમએમ લાઈવ રાઉન્ડ, ચાર ૧૨-બોર કાર્ટ કેસ અને અઢાર .૩૦૩ રાઈફલ મોડિફાઈડ લાઈવ રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા હતાં.

એએફએસપીએ ફરીથી લાગુ કરવામાં આવ્યો છે તેવા પોલીસ સ્ટેશન એરિયામાં ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સેકમાઇ અને લમસાંગ, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના લામલાઇ, જીરીબામ જિલ્લાના જીરીબામ, કાંગપોકપી જિલ્લાના લીમાખોંગ તથા બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગનો સમાવેશ થાય છે.

પહેલી ઓક્ટોબરે મણિપુર સરકારે આ છનો સમાવેશ સાથે ૧૯ પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાયના સમગ્ર રાજ્યમાં એએફએસપીએ લાગુ કર્યાે હતો. મણિપુર પોલીસે સોમવારે જણાવ્યું હતું કે અત્યાધુનિક હથિયારોથી સજ્જ ઉગ્રવાદીઓ મણિપુરના જીરીબામ જિલ્લામાં પોલીસ સ્ટેશન અને નજીકના સીઆરપીએફ કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યા પછી સુરક્ષા દળો સાથેની ભીષણ ગોળીબારમાં ૧૦ શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા હતાં.

શંકાસ્પદ ઉગ્રવાદીઓ આ જિલ્લામાંથી મહિલાઓ અને બાળકો સહિત છ નાગરિકોનો અપહ્યુત બનાવ્યા હતા.ગુરુવારે સમગ્ર ઇમ્ફાલ ખીણમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ સંબંધિત શૈક્ષણિક સંસ્થાઓની બહાર માનવ સાંકળો બનાવી અપહરણનો વિરોધ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.