અરુણાચલ, મણિપુર, નાગાલેન્ડમાં છ મહિના માટે AFSPA લંબાવાયો

કેન્દ્ર સરકારે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી
ગૃહ મંત્રાલયે નાગાલેન્ડના દીમાપુર, નિઉલેન્ડ, ચુમૌકેદિમા, મોન, કિફિર, નોકલાક, ફેક અને પેરેન જિલ્લામાં અફસ્પાની મુદ્દત લંબાવી
નવી દિલ્હી,કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સશસ્ત્ર દળ વિશેષ અધિકાર કાયદો(અફસ્પા)ને આખા મણિપુરમાં લાગુ કરી દીધો છે. જોકે, ૧૩ પોલીસ સ્ટેશનની હદોને એમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ સાથે જ અરૂણાચલ પ્રદેશના તીરપ, ચાંગલાંગ અને લોંગડિંગ જિલ્લા તથા રાજ્યના ત્રણ પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં પણ અફસ્પાને આગામી છ મહિના માટે લંબાવી દીધો છે. નાગાલેન્ડમાં પણ અફસ્પાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તેને આઠ જિલ્લા અને રાજ્યના અન્ય પાંચ જિલ્લાના ૨૧ પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવ્યો છે.
આ નિર્ણય આગામી છ મહિના સુધી પ્રભાવી રહેશે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નોટિફિકેશન મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી સશસ્ત્ર દળ(વિશેષ શક્તિઓ) કાયદો, ૧૯૫૮ની કલમ ૩ દ્વારા અપાયેલી શક્તિઓનો પ્રયોગ કરીને પાંચ જિલ્લાના ૧૩ પોલીસ સ્ટેશનોના અધિકાર ક્ષેત્રમાં આવનાર ક્ષેત્રોને છોડીને આખા મણિપુરમાં ૧લી એપ્રિલથી આગામી છ મહિના સુધી લાગુ રહેશે.
જોકે, મણિપુરના જે પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં અફસ્પા લાગુ કરવામાં આવ્યો નથી, એમાં ઈમ્ફાલ, લામ્ફાલ, સિટી, સિંગજામી, પાટસોઈ, વાંગોઈ, પોરોમ્પટ, હિંગાંગ, ઈરિલબુંગ, થૌબલ, બિષ્ણુપુર, નામ્બોલ અને કાકચિંગ સામેલ છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે નાગાલેન્ડના દીમાપુર, નિઉલેન્ડ, ચુમૌકેદિમા, મોન, કિફિર, નોકલાક, ફેક અને પેરેન જિલ્લામાં અફસ્પાની મુદ્દત લંબાવી છે. કોહિમા જિલ્લાના ખુજામા, કોહિમા ઉત્તર, કોહિમા દક્ષિણ, જુબજા અને કેજોચા પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવનાર વિસ્તારો, મોકોકચુંગ જિલ્લાના મંગકોલેબમ્બા, મોકોકચુંગ-૨, લોંગથો, તુલી, લોંગચેમ અને અનાકી સી પોલીસ સ્ટેશનન પણ અશાંત જાહેર કરવામાં આવ્યા છે.