શ્રદ્ધાના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફરની ભૂલથી આફતાબ ઝડપાઈ ગયો

નવી દિલ્હી, ચકચારી શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ અમીન પૂનાવાલા શરૂઆતથી જ દિલ્હી અને મુંબઈ પોલીસને ગોળ ગોળ વાતો કરી ગેરમાર્ગે દોરી રહ્યો હતો. આફતાબે દિલ્હી પોલીસ અને મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે ૨૨ મેના રોજ શ્રદ્ધા ઝઘડો કરી ઘરેથી જતી રહી હતી. આફતાબે એમ પણ જણાવ્યું કે શ્રદ્ધા માત્ર તેનો મોબાઈલ લઈને આવી હતી. જ્યારે કપડા અને અન્ય સામાન અહી મુકીને જતી રહી હતી, પરંતુ આફતાબના નિવેદન પર પોલીસે બિલકુલ વિશ્વાસ ન કર્યો. ત્યારબાદ પોલીસે જ્યારે આફતાબ અને શ્રદ્ધાની કોલ ડિટેઈલ અને લોકેશનની તપાસ કરી તો ઘણા ચોંકાવનારા ખુલાસા થયા.
તપાસમાં પોલીસને ધ્યાને આવ્યું કે, ૨૬મી મેએ શ્રદ્ધાના નેટ બેંકિંગ એપ્લિકેશન દ્વારા આફતાબના ખાતામાં ૫૪ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે આફતાબે પોલીસને જણાવ્યું હતું કે, તે ૨૨મી મેથી શ્રદ્ધાના સંપર્કમાં નથી. આફતાબે આ બાબત કહેતા જ પોલીસના સકંજમાં આવી ગયો. આફતાબની આ બાબત સૌથી મોટી તેની ભુલ હતી અને આ ભુલના કારણે તે પોતાની જાળમાં ફસાઈ ગયો.
કેસની તપાસમાં વધુ એક ચોંકાવનારા ખુલાસામાં જાણવા મળ્યું કે, શ્રદ્ધા અને તેના મિત્ર વચ્ચે ૩૧મી મેના રોજ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ચેટ થઈ હતી. જ્યારે પોલીસે શ્રદ્ધાના ફોનના લોકેશનની તપાસ કરી તો આ લોકેશન દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારનું બહાર આવ્યું હતું.
૨૬ મેએ થયેલા નાણાંની લેવડદેવડનું સ્થળ પણ મહરૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર હોવાનું બહાર આવ્યું છે. જ્યારે પોલીસે આફતાબને પૂછ્યું કે, શ્રદ્ધા ૨૨ મેએ ઘર છોડીને જતી રહી હતી, તેમ છતાં તેનું લોકેશન મહરૌલીમાં કેમ બતાવી રહ્યું છે? પોલીસે પ્રશ્ન કરતા જ આફતાબ ચૂપ થઈ ગયો અને પોલીસ સામે તૂટી ગયો, ત્યારબાદ બાદ તેણે શ્રદ્ધાની હત્યાની આખી ભયાનક કહાની પોલીસને જણાવી.