દિલ્હીમાં 48 નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી એક પણ ઉમેદવાર મુસ્લિમ નથી

(એજન્સી) નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫માં, ભાજપ ૪૮ બેઠકો સાથે પૂર્ણ બહુમતી સાથે દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. આ ૪૮ નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી કોઈ પણ ઉમેદવાર મુસ્લિમ સમુદાયનો નથી.
આવી સ્થિતિમાં, ફરી એકવાર ભાજપ સરકાર દિલ્હીના લઘુમતીઓને ખુશ કરવા માટે પંજાબી કે શીખ સમુદાયના વ્યક્તિને મંત્રી બનાવી શકે છે. આ પહેલા ૧૯૯૩ થી ૧૯૯૮ સુધીની ભાજપ સરકારમાં પંજાબી કે શીખ સમુદાયમાંથી જીતેલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા હતા.
૧૯૯૩માં ભાજપ ૪૯ બેઠકો જીતીને સત્તામાં આવ્યું. તે સમયે મદન લાલ ખુરાનાને દિલ્હીના પહેલા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, જગદીશ મુખી, સાહિબ સિંહ વર્મા, હર્ષરણ સિંહ બલ્લી, સુરેન્દ્ર પાલ રટાવાલ, લાલ બિહારી તિવારી અને હર્ષવર્ધનને મંત્રી બનાવવામાં આવ્યા. થોડા સમય પછી, જ્યારે મુખ્યમંત્રી બદલાયા, ત્યારે રાજેન્દ્ર ગુપ્તાને મંત્રી બનવાની તક મળી. તે જ સમયે, જ્યારે લાલ બિહારી તિવારીએ સાંસદની ચૂંટણી લડી, ત્યારે દેવેન્દ્ર સિંહ શૌકીનને પણ મંત્રી બનવાની તક મળી.
૧૯૯૮ પછી, ભાજપ સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ. ત્યારબાદ કોંગ્રેસ અને છછઁ એ પોતાના મંત્રીમંડળમાં મુસ્લિમ સમુદાયના એક મંત્રીનો સમાવેશ કર્યો. કોંગ્રેસ સરકારમાં હારૂન યુસુફ અને આપ સરકારમાં ઇમરાન હુસૈન મુસ્લિમ સમુદાયમાંથી મંત્રી બન્યા.
જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો, ફરી એકવાર ભાજપ રાજ કુમાર ભાટિયા, મનજિંદર સિંહ સિરસા, આશિષ સૂદ, હરિસ ખુરાના, ઉમંગ બજાજ, તરવિંદર સિંહ મારવાહ અથવા અરવિંદર સિંહ લવલી, જેઓ દિલ્હીના લઘુમતી સમુદાયમાંથી આવે છે, તેમને મંત્રી બનાવી શકે છે.
સૂત્રો કહે છે કે અરવિંદર સિંહ લવલી મંત્રી બનવાની રેસમાં આગળ છે. કોંગ્રેસમાંથી આવ્યા પછી, તેમણે પૂર્વ દિલ્હીમાં પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કર્યું. ઉપરાંત, તેઓ કોંગ્રેસના મતોને ભાજપ તરફ ખસેડવામાં સફળ થયા. તેમની સાથે કોંગ્રેસ સરકારમાં મંત્રી રહેલા રાજ કુમાર ચૌહાણ પણ ભાજપમાં જોડાયા.
સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં નવી ભાજપ સરકાર ૨૨ કે ૨૩ ફેબ્રુઆરીએ શપથ લઈ શકે છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાનમાં થવાની શક્યતા છે. આ સમારોહ ભવ્ય બનવાની અપેક્ષા છે. ભાજપ સરકાર અને ગઠબંધન સરકારના મુખ્યમંત્રીઓ આમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહી શકે છે. તેમના ઉપરાંત, ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.