Western Times News

Gujarati News

5 કલાકના રીટ્રાઇવલના અંતે મહિલાની બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી

સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન-૨૦ જેટલા સ્વજનોએ એકજૂટ થઇ બ્રેઇનડેડ સંતોકબેન પટેલનું અંગદાન કર્યું

બે કિડની અને લીવરનું દાન મળ્યું-સામાજીક સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી અંગદાનની અગત્યતાનો ખ્યાલ હતો એટલે અંગદાનનો નિર્ણય કર્યો – અંગદાતા પરિવાર

રામસેતુ નિર્માણ માં જેમ એક ખિસકોલીનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતુ તેવી જ રીતે સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં દરેક કર્મીનું મહત્વનું યોગદાન – ડૉ. રાકેશ જોષી

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા સંતોકબેનને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. સંતોકબેન પટેલ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર થતા પરિવારના અંદાજીત ૨૦ જેટલા સભ્યોએ એકજૂટ થઇને અંગદાન કરવાનો નિર્ણય કર્યો.

અંગદાન કરવાનો નિર્ણય કરતા પરિવારમાંથી બે વ્યક્તિઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબ અને  નર્સિંગ બ્રઘર તરીકે કાર્યરત છે. સંતોકબેનના પરિવારજનોને આ બંનેને સંપર્ક કરીને અંગદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી.

હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ બ્રધર અને તબીબ એ સ્થાનિક સોટ્ટોની ટીમને સંપર્ક કરીને તમામ પરિસ્થિતિથી ટીમને માહિતગાર કરી. ત્યારબાદ તેમણે પરિવારજનોને બ્રેઇનડેડ સંતોકબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવવા માટે કહ્યું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ અંગદાન માટેના પણ જરૂરી તમામ ટેસ્ટ કરાવવામાં આવ્યા. ટેસ્ટ થયા બાદ તેઓને રીટ્રાવલ અર્થે ઓપરેશન થીયેટરમાં લઇ જવામાં આવ્યા. ૫ થી ૬ કલાકના રીટ્રાઇવલના અંતે બ્રેઇનડેડ સંતોકબેનના બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.

સિવિલ હોસ્પિટલની ટીમે પરિવારજનોનું જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત અમર કક્ષમાં કાઉન્સેલીંગ કર્યું ત્યારે તેઓ અન્ય અંગદાતાઓને જોઇને ભાવવિભોર થઇ ગયા હતા.

પરિવારજનોએ એમ પણ જણાવ્યું કે ઘણીં સામાજીક સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતી અંગદાનની સેવાકીય પ્રવૃતિ વિશે અગાઉથી જ માહિતી હતી. આ ઘટનાથી પ્રેરાઇને જ અમે અમારા સ્વજનનું પણ અંગદાન કરવાનો નિર્ણય કર્યો.

આજે અમારા સ્વજન હયાત રહ્યાં નથી પરંતુ તેઓ જરૂરિયાતમંદ અને પીડિત ત્રણ જીંદગીઓને પીડામુક્ત કરીને ગયા છે તેનો ગર્વ છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ જણાવ્યું કે,સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે આજે આ ઉમદા કાર્ય થયું છે. અમારી હોસ્પિટલમા કાર્યરત રવિ બ્રધર અને ડૉ જયદિપ તેમજ અન્ય તબીબોએ એકજૂટ થઇને આ સતકાર્યને સફળ બનાવ્યું છે.

અમદાવાદ સિવિલમા કાર્યરત દરેક સ્ટાફ અંગદાનની મુહિમમાં જોડાયો છે. જેમ રામ સેતુ બનાવવા કહેવાય છે કે ખિસકોલીએ પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી તેવી જ રીતે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અંગદાનના સેવાયજ્ઞને સફળ બનાવવા ચાવીરૂપ ભૂમિકા અદા કરી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.