Western Times News

Gujarati News

પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવરનો વેશ ધારણ કર્યોઃ 700 કિમી.ના 300 CCTV ચકાસ્યા

700 કિમી.ના 300 CCTV તપાસ કરતા કરતા આરોપીને 25 ટન વટાણા ચોરનારને ભુજથી ઝડપ્યો-હજીરા પોર્ટ પર આવેલા રશિયન વટાણાના જથ્થાની ચોરી થઇ

સુરત, હજીરા પોર્ટ પર આવેલા રશિયન વટાણાના જથ્થાની ચોરી કરવા માટે છેતરપિંડીનો અજીબ કિસ્સો સામે આવ્યો હતો. ટ્રાન્સપોર્ટરને છેતરીને ટ્રક ડ્રાઈવર લાખોના રશિયન વટાણાની ડિલિવરી મેળવી તમામ વટાણા લઈને ફરાર થઈ ગયો હતો. જોકે વટાણાની ચોરી કરનાર આરોપીને હજીરા પોલીસને ઝડપી પાડવા મોટી સફળતા મળી છે.

હજીરા પોલીસે આરોપીને પકડવા હજીરાથી ભુજ સુધી ૭૦૦ કિલોમીટરના ૩૦૦થી વધુ સીસીટીવી તપાસ કરતા કરતા આરોપીને ભુજ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવર જેવો વેશ પલટો ધારણ કરીને ચોરી કરાયેલ તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. સુરતના હજીરા વિસ્તારમાં આવેલ પોર્ટ ખાતેથી ગત પાંચ ડિસેમ્બરના રોજ અજીબ રીતે લાખોની કિંમતના વટાણાની છેતરપિંડી આચરીને ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

પોર્ટ પર દરિયાઈ માર્ગે વિદેશમાંથી અનેક વસ્તુઓ ઈમ્પોર્ટ થતી હોય છે. ત્યારે ગત પાંચ ડિસેમ્બરના રોજ પોર્ટ પર ૨૫.૧૮૦ ટન જેટલા રશિયન વિદેશી ખાસ વટાણા કોઈ વેપારીએ મંગાવ્યા હતા અને તેની ડિલિવરી ટ્રાન્સપોર્ટર દ્વારા કરવાની હતી. જોકે આ ડિલિવરી વેપારીને મળે તે પહેલા જ તમામ વટાણાની ચોરી થઈ ગઈ હતી. જી હા, ટ્રાન્સપોર્ટર દ્વારા આ તમામ વટાણાની ડિલિવરી કરવા માટે ટ્રક ભાડે રાખવામાં આવ્યો હતો.

જેમાં તમામ વટાણાની ગુણો ભરીને પોર્ટ પરથી ટ્રક ડિલિવરી કરવા માટે રવાના કરવામાં આવ્યો હતો. જોકે ટ્રક માલિક ટ્રાન્સપોર્ટ દ્વારા નક્કી કરાયેલ જગ્યાએ માલની ડિલિવરી કરવાને બદલે તમામ વટાણાનો જથ્થો ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જે અંગેની જાણ ટ્રાન્સપોર્ટરને થતા આ મામલે હજીરા પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટ્રાન્સપોર્ટરની ફરિયાદના આધારે વટાણાનો જથ્થો લઈ ફરાર થઈ ગયેલ આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

હજીરા પોલીસને વટાણા ચોરીની આ પ્રકારની ફરિયાદ મળતા જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આરોપીને પકડવા માટે જુદી જુદી ટીમો કામે લગાવી હતી. દરમિયાન હજીરા પોલીસને દસ દિવસની મહેનત બાદ ૨૫.૧૮૧ ટન વટાણા જેની કિંમત ૮,૪૩,૫૩૦ની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી.

વિદેશી રશિયન લાખોના વટાણાની ચોરી કરનાર ટ્રક માલિકે આખું ષડયંત્ર તૈયાર કર્યું હતું. જેમાં હજીરા પોલીસે ટ્રક માલિક અબ્દુલ મજીદ ઈબ્રાહીમ સુમરાને ભુજ ખાતેથી ઝડપી પાડવા સફળતા મળી હતી. પોલીસે આરોપી અબ્દુલ મજીદ ઈબ્રાહીમ સુમરાને ઝડપી પાડવા ભારે મહેનત કરવી પડી હતી. આરોપીને પકડવા પોલીસે હજીરાના પોર્ટથી લઇ ભુજ સુધીના ૭૦૦થી વધુ કિમીના ૩૦૦થી વધુ સીસીટીવી ચેક કરી કરીને આરોપી સુધી પહોંચી હતી.

હજીરા પોલીસના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ અને તેમની ટીમ દ્વારા સતત દસ દિવસ સુરતથી ભુજ સુધીના હાઇવે પર હોટલ, ટોલટેક્સ, દુકાન, હાઇવે પરના શોપિંગ સેન્ટર સહિતના સીસીટીવી તપાસ કરતા કરતા આરોપી સુધી પહોંચવામાં સફળતા હાથ આવી હતી. એટલું જ નહીં, આરોપી એટલો શાતિર હતો કે હજીરાથી ટ્રક માલિકે ડ્રાઈવર મારફતે માલ બહાર કઢાવવા આવ્યો હતો અને ડ્રાઈવર પાસે તેનો ફોન ભરૂચ ખાતે નર્મદા નદીમાં ફેંકાવી દીધો હતો. ઉપરાંત સુરતથી ભુજ સુધી ટ્રકનો નંબર બદલતો બદલતો ત્યાં પહોંચ્યો હતો.

જોકે સીસીટીવીના આધારે આખરે પોલીસ ભુજ સુધી તો પહોંચી હતી પરંતુ આરોપી ભુજમાં તમામ મુદ્દામાલ સાથે ક્યાં રહે છે અને શું કર્યું છે ત્યાં સુધી પહોંચી શકી ન હતી. ત્યારબાદ પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી ભુજ યાર્ડ ખાતે આવતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હજીરા પોલીસની ટીમને મળેલી આ માહિતીને આધારે હેડ કોન્સ્ટેબલ જયેશ અને તેમની ટીમ દ્વારા આરોપીને રંગે હાથ પકડવા માટે સતત વોચમાં રહ્યા હતા.

એટલું જ નહીં, પોલીસની ઓળખ ન થાય તે માટે તમામ પોલીસ જવાનો દ્વારા સ્થાનિક શાકભાજીના કાછીયાઓનો વેશ ધારણ કરીને આરોપીને પકડવા સતત વોચમાં રહ્યા હતા. આ દરમિયાન સીસીટીવીમાં જોવા મળતી ટ્રક યાર્ડ પાસે મળી આવતા હજીરા પોલીસની ટીમે ટ્રક માલિકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ટ્રકમાં જ વટાણાની ચોરી કરાયેલનો તમામ મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

હજીરા પોલીસની ટીમે વટાણાની છેતરપિંડી કરી ચોરી કરનાર ટ્રક માલિક અબ્દુલ મજીદ ઈબ્રાહીમ સુમરાને રંગે હાથ ઝડપી પાડી ચોરી કરાયેલ આઠ લાખથી વધુના વટાણા અને ટ્રક સહિત તમામ મુદ્દામાલ સાથે સુરત લઈ આવી હતી. પોલીસે ટ્રક માલિક અબ્દુલ માજીદ ઈબ્રાહીમ સુમરાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ચોરીના નેટવર્કમાં અન્ય બે સલીમ સુમરા અને સ્વરૂપ ગોહિલ નામની પણ સંડોવણી સામે આવી છે.

આ બંને ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં સ્વરૂપ સુમરા અને અબ્દુલ માજીદ સુમરાએ ટ્રક ડ્રાઈવર બનાવીને પોર્ટમાંથી ટ્રક બહાર લેવડાવ્યો હતો. જ્યારે સલીમ સુમરા સાથે મળી અબ્દુલ માજીદ ઈબ્રાહીમ સુમરા ચોરી કરેલ તમામ મુદ્દામાલ વેચવા વેપારીની શોધ કરતા હતા. જોકે હાલ તો ચોરી કરેલ તમામ વટાણાનો મુદ્દામાલ બંને આરોપીઓ કોઈપણ વેપારીને વેચે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો છે અને ગણતરીના સમયમાં સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.