દિવાળી પછી ઉત્તરાખંડની ધામી સરકાર આ કામ માટે કરી રહ્યુ છે મોટી તૈયારી
ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય બનશે,
ભાજપ શાસિત ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આવતા અઠવાડિયે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી યુસીસી બિલ પસાર કરાવશે તેમ સૂત્રોનું કહેવું છે. ઉત્તરાખંડના યુસીસીના ડ્રાફ્ટમાં બહુવિવાહ પર પ્રતિબંધ અને લિવ ઇન રિલેશનશિપના રજિસ્ટ્રેશનની જોગવાઇ રાખવામાં આવી છે. યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે.
ધામી સરકાર હવે તેને વહેલી તકે વિધાનસભામાં રજૂ કરી કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે.યુસીસીના ડ્રાફ્ટમાં બહુવિવાહ પર પુરી રીતે પ્રતિબંધ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. પુરૂષોએ છુટાછેડા વગર ૨ પત્નીને રાખવાની પરવાનગી નહીં હોય. સાથે જ બાળકોને ખોળે લેવા અને છુટાછેડા માટે તમામ ધર્મમાં સમાન જોગવાઇ પર પ્રસ્તાવિત છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા કપલને પણ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હશે.
કાયદામાં લગ્નના કોઇ ધાર્મિક રીત રિવાજ સાથે કોઇ છેડછાડ કરવામાં આવી નથી.પહેલા કહેવામાં આવતુ હતું કે ડ્રાફ્ટમાં યુવતીઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષથી ૨૧ વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. જોકે, હવે સમાચાર છે કે સમિતિએ આમ કરવાનું કોઇ સૂચન આપ્યુ નથી.ભલામણમાં કહેવામાં આવ્યું કે યુવતીઓ માટે લગ્નની ઉંમર ૧૮ વર્ષ જ રાખવી જોઇએ. સમિતિએ પૈતૃક સંપત્તિઓમાં દીકરીઓ માટે સમાન અધિકાર પર ભાર આપ્યો છે.
સમિતિને સૂચન મળ્યા હતા કે એક દંપત્તિ માટે બાળકોની સંખ્યા નક્કી થવી જોઇએ. જોકે, ડ્રાફ્ટમાં આ મામલે કોઇ ભલામણ કરવામાં આવી નથી.ડ્રાફ્ટમાં જનસંખ્યા નિયંત્રણ માટે કેટલીક મજબૂત માંગો કરવામાં આવી છે. કથિત રીતે તેમાં રાષ્ટ્રીય સ્તર પર જનસંખ્યા નિયંત્રણને લઇને કાયદો બનાવવાની ભલામણ સામેલ છે.
માનવામાં આવે છે કે ઉત્તરાખંડમાં યુસીસી કાયદાને આધાર માનીને કેન્દ્ર સરકાર પણ આ રીતની જોગવાઇ કરી શકે છે. આ મુદ્દા પર સાંસદોના વિચાર જોણવા માટે સંસદીય સ્થાયી સમિતિની ૩ જુલાઇએ બેઠક પણ મળી હતી.૧૪ જૂને ૨૨મા વિ ધિ આયોગે યુસીસીના મુદ્દા પર ધાર્મિક સંગઠનો અને લોકોના વિચાર માંગ્યા હતા. સુત્રો અનુસાર ઉત્તરાખંડ પછી ગુજરાતમાં પણ યુસીસી કાયદો લાવવામાં આવી શકે છે.
કેટલાક આદિવાસી સંગઠનોએ યુસીસીનો વિરોધ કર્યો છે, તેમનો તર્ક છે કે યુસીસીથી તેમની ઓળખ ખતમ થઇ જશે.ભાજપના રાજ્યસભા સાંસદ અને કાયદા અને ન્યાય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ સુશીલ કુમાર મોદીએ પણ પૂર્વોત્તર અને અન્ય વિસ્તારના આદિવાસીઓને યુસીસીમાંથી બહાર રાખવાની વાત કહી હતી.