CA થયા પછી ક્રિકેટમાં કારકિર્દી બનવાનું નક્કી કર્યુ હતું આ ક્રિકેટરે
“કોઈપણ કામ શરૂ કરતા પહેલા તેના ફાયદા-નુકસાન અંગે એકસો વાર વિચારો, પરંતુ સો વાર વિચાર્યા પછી એક વાર કામ શરૂ કરી દીધું તો પછી ભલે ૧૦૦ અડચણો આવે, અટકવાનું નથી”
શ્રીલંકાના ખેલાડી માર્વન અટાપટ્ટુના જીવનનું રસપ્રદ ઉદાહરણ છે. તે પોતાના જીવનની પ્રથમ ટેસ્ટ રમી રહ્યા હતા અને પ્રથમ ઈનિંગમાં શૂન્ય રને આઉટ થઈ ગયા, બીજી ઈનિંગમાં પણ શૂન્ય રને આઉટ થઈ ગયા. ત્યાર પછી ટીમે તેમને શ્રેણીમાંથી બહાર કાઢીને સ્વદેશ મોકલી દીધા. ઘરના સભ્યોએ દિલાસો આપ્યો. ત્યાર પછી ૨૧ મહિના સુધી ઘરેલુ ક્રિકેટ રમતા રહ્યા અને ૨૧ મહિના પછી ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળી.
દેશબંધુ મારવાન સેમસન અટાપટ્ટુ (જન્મ 22 નવેમ્બર 1970) શ્રીલંકાના ક્રિકેટ કોચ, કોમેન્ટેટર અને ભૂતપૂર્વ ક્રિકેટર છે. જેઓ શ્રીલંકા માટે 17 વર્ષ રમ્યા હતા. તેમના યુગમાં સૌથી વધુ ટેકનિકલી સાઉન્ડ બેટ્સમેનમાંના એક ગણાતા, અટાપટ્ટુએ શ્રીલંકા માટે ટેસ્ટ ક્રિકેટમાં છ બેવડી સદી ફટકારી છે, તેની પ્રથમ છ ઇનિંગ્સમાં પાંચ શૂન્યને ધ્યાનમાં લીધા વિના. અટાપટ્ટુએ 2004 એશિયા કપ જીતનાર શ્રીલંકાની ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી.
એ શ્રેણીની પ્રથમ મેચમાં પ્રથમ ઈનિંગ્સમાં ફરી શૂન્ય રને આઉટ થઈ ગયા અને બીજી ઈનિંગ્સમાં ૧ રન બનાવ્યો. ટીમે ફરી શ્રેણીમાંથી કાઢી મૂક્યા. આ વખતે ઘરવાળાએ કહ્યું કે વિકલ્પ શોધવાનું શરૂ કરી દો. જોકે, અટાપટ્ટુએ ફરી ઘરેલુ ક્રિકેટમાં પ્રવેશ કર્યાે અને ૧૯ મહિના સંઘર્ષ કર્યાે. ફરી ટેસ્ટમાં પુનરાગમન થયું.
જોકે પરિણામ એ જ ૦…૦…અટાપટ્ટુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, એટલે ઘરવાળાએ કહ્યું કે તેમાં કારકિર્દી બનાવો, પરંતુ તેમને ક્રિકેટમાં જ કારકિર્દી બનાવવી હતી. ત્રણ વર્ષ બાદ અટાપટ્ટુઅને ફરી ટેસ્ટ માટે કોલ આવ્યો, આ વખતે ૫૦ રન બનાવ્યા.
ત્યારપછી તો વિક્રમોની વણઝાર કરી નાખી અને શ્રીલંકા માટે એક દૃષ્ટાંતરૂપ ખેલાડી બન્યા. BAPS ના પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે, કોઈપણ કામ શરૂ કરતા પહેલા તેના ફાયદા-નુકસાન અંગે એકસો વાર વિચારો, પરંતુ સો વાર વિચાર્યા પછી એક વાર કામ શરૂ કરી દીધું તો પછી ભલે ૧૦૦ અડચણો આવે, અટકવાનું નથી.
જો તમે અલગ વિચારશો તો જીવનમાં ક્યાંય ફસાસો નહીં. પોતાના માટે એક તક બનાવી જ લેશો. આગળ વધવાની આ તક ઈશ્વરે આપી છે. નિષ્ફળતા અને વધુ સારું કરવાની તક છે. અલગ વિચારશો તો સંબંધો ક્યારેય ખરાબ નહીં થાય, ઉતાર-ચઢાવને તકની જેમ લઈને સંબંધો પ્રત્યે વધુ ઈમાનદારી, સમર્પણ અને જવાબદારી બતાવીને તેમને મજબૂત કરી શકો છો. આ ડિફરન્ટ થિન્કિંગ છે. ઈશ્વર અને ગુરુની કૃપાથી દરેક વસ્તુ આપણા હાથમાં હોય છે, પરિસ્થિતિ ગમે તેવી હોય, તમે ફાયદો ઉઠાવી શકો છો. કોઈપણ પરિસ્થિતિમાં તમે સમાજમાં પોતાનું યોગદાન આપી શકો છો.
જીવનમાં તમે જ્યારે કંઈક અલગ વિચારો છો ત્યારે જ ચમત્કાર કરી શકો છો. વિચારની શક્તિ એવી છે કે તમારા સંબંધ સુગંધિત થઈ જશે. કેટલે ઊંડે સુધી ઉતરવાનું છે, સાચું વિચારવું, ખોટું વિચારવું… આ બધી આપણા મનની વાત છે. આપણા મહાન શાસ્ત્રોએ અનેક પ્રકારનાં વિચારો શીખવાડ્યા છે. આધુનિક શિક્ષણે પણ જીવન ઉત્કર્ષ માટે અનેક પ્રકારે વિચારવાની તાલીમ આપી છે. તેમાં પણ આપણે નકારાત્મકતાનો ત્યાગ કરીને અને સકારાત્મકતા ગ્રહણ કરીને જ વિચારોની પરિપક્વતા સુધી પહોંચી શકીશું.
જો આપણે પોતાનો બે હજાર વર્ષ જૂનો ઈતિહાસ વાંચીશું તો ખબર પડી જશે કે, માનવ ઈતિહાસ વિચારોનો ઈતિહાસ રહ્યો છે. કોઈ વિચાર આવ્યો, એ વિચાર પર પુનર્વિચાર કર્યાે, પછી તેમાંથી કોઈ નવું બીજ કે ઉત્પાદન બહાર આવ્યું. તેનાથી એક સિસ્ટમ બની, પછી કલ્ચર ઊભું થયું અને લાખો લોકોને ફાયદો થયો. વિચારની આ તાકાત હોય છે. સામાન્ય વિચાર અને અલગ વિચારમાં આ જ અંતર છે.
રૂટીન વિચાર શું છે ? રૂટીન વિચાર એ છે જેમાં આપણે વિચારીશું કે અભ્યાસ કરીને કોઈ નોકરી મેળવી લઈશ કે બિઝનેસ કરીને પરિવારનું જેમ-તેમ ભરણ-પોષણ કરીશ તથા સુખી રહીશ. અલગથી વિચારનારો વ્યક્તિ કહે છે, સારો અભ્યાસ કરીશ, નોકરી કે બિઝનેસ પણ સારો કરીશ. સમાજને કંઈક પ્રદાન કરીશ, દેશની સમૃદ્ધિમાં યોગદાન આપીશ અને માનવતા માટે કામ કરીશ.
એકંદરે અલગથી વિચારનારો વ્યક્તિ વિચારશે કે જતા પહેલા દુનિયાને થોડી સારી બનાવવાનો પ્રયાસ કરીશ. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા. આ પ્રસંગ આપણે સહુ જાણીએ છીએ, પરંતુ તેમણે ત્યાં વિચાર કર્યાે કે રંગભેદની નીતિ સમાપ્ત કરવી છે. તેઓ ત્યાંથી એ વિચાર લઈને નીકળ્યા અને પછી અંગ્રજોને ઝુકાવી દીધા.
વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, બિઝનેસમેન, સમાજસેવકો, તમામ વ્યવસાયિકો માટે થિન્ક ડિફરન્ટ એ છે કે, હું પ્રયાસ કરીશ, સફળતા ન મળી તો ચોથી વાર પણ પ્રયાસ કરીશ. નક્કી થયેલા લક્ષ્ય સુધી નહીં પહોંચુ તો પાંચમી વાર પ્રયાસ કરીશ. જ્યાં સુધી જીવનમાં લક્ષ્ય સુધી નહીં પહોંચુ આરામ નહીં કરું. મહાપુરૂષોના જીવનનો આ સિદ્ધાંત છે. – લેખકઃ જ્ઞાનવત્સલ સ્વામી, પ્રેરક વક્તા અને વિચારક BAPS