USAનું ગ્રીનકાર્ડ મેળવવા મહિલાએ કરેલા લગ્ન ભારે પડયાઃ પતિએ કેસ કર્યો
ગ્રીન કાર્ડ આવ્યા બાદ પત્ની રાતોરાત ઘર છોડીને ભાગી ગઈ-પત્નીને શોધવા માટે આ ગુજરાતી યુવકે અમેરિકાની પોલીસને પણ રિપોર્ટ કર્યો હતો
અમદાવાદ, અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણા ગુજરાતીઓ લગ્નનું તરકટ રચતા હોય છે તે કોઈનાથી અજાણ્યું નથી, પરંતુ બીજી તરફ એવા પણ ઘણા કિસ્સા છે કે જેમાં અમેરિકન સિટીઝન સાથે લીગલી મેરેજ કરીને અમુક ગુજરાતીઓ અમેરિકા પહોંચ્યા બાદ ગાયબ થઈ જાય છે.
આવા જ એક મામલામાં લગ્ન કરીને અમેરિકા આવેલી અને ગ્રીન કાર્ડ મળ્યા બાદ પતિને છોડી જનારી એક યુવતી વિરૂદ્ધ તેના પતિએ USCIS એટલે કે યુનાઈટેડ સ્ટેટ્સ સિટીઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસને જાણ કરી છે.
માહિતી અનુસાર, આ ગુજરાતી યુવકની પત્ની જૂન ૨૦૨૩માં તેના પતિને કંઈ કહ્યા વિના જ રાતોરાત ઘર છોડીને જતી રહી હતી, જેની જાણ તેના પતિને જોબ પરથી ઘરે આવ્યા બાદ થઈ હતી.
પત્નીને શોધવા માટે આ ગુજરાતી યુવકે અમેરિકાની પોલીસને પણ રિપોર્ટ કર્યો હતો, પરંતુ પોલીસે યુવતી પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોવાથી આ કેસમાં બીજું કંઈ ના થઈ શકે તેમ કહીને તેને મદદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ ગુજરાતી યુવકની પત્ની ઘર છોડતી વખતે એક લેટર પણ મૂકી ગઈ હતી, જેમાં તેણે એવું લખ્યું હતું કે હવે પછી મને શોધવાનો કે મારો સંપર્ક કરવાનો પ્રયાસ ના કરતો.
આ યુવકે તેની પત્નીને ખાસ્સા પ્રયાસો બાદ શોધી કાઢી હતી, પરંતુ તેણે તેને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે પત્નીએ પોલીસને રિપોર્ટ કરવાની સાથે કોર્ટમાં પણ તેની સામે કેસ કરી નાખ્યો હતો. ત્યારબાદ કોર્ટે આ યુવકને પત્નીથી દૂર રહેવા માટે ચેતવણી આપી હતી.
યુએસસીઆઈએસને કરેલી ફરિયાદમાં આ યુવકે એવો પણ દાવો કર્યો છે કે તેની પત્ની હાલ ઈલિનોયમાં એક ગુજરાતીના જ સ્ટોરમાં કામ કરે છે અને કેશમાં બધો પગાર મેળવે છે. SS1MS