Western Times News

Gujarati News

હૃદયની સારવાર બાદ રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા અપાઈ

મુંબઈ, સુપરસ્ટાર રજનીકાંતને સોમવારે સ્વાસ્થ્ય સમસ્યાને લઈને ચેન્નાઈ ખાતેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવા લાગ્યા હતા. જો કે હવે તેમના ચાહકો માટે સારા સમાચાર એ છે કે રજનીકાંતને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસ કરતા તેમણે હૃદય સાથે જોડાયેલી નાની સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમની સારવાર કોઈપણ સર્જરી વિના કરવામાં આવી હતી.રજનીકાંતના સ્વાસ્થ્ય અંગે એપોલો હોસ્પિટલે એક મેડિકલ બુલેટિન બહાર પાડ્યું હતું.

જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ રજનીકાંતને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હૃદય તરફ જતી લોહીની રક્તવાહિનીમાં સોજો હતો. જેની સારવાર ટ્રાન્સકેથેટર દ્વારા કોઈપણ સર્જરી વગર કરવામાં આવી હતી.

આયોટામાં સ્ટેન્ટ મૂકીને સોજો સંપૂર્ણપણે બંધ કરી કરી દીધો છે. અમે તેમના શુભચિંતકો અને ચાહકોને જણાવવા માંગીએ છીએ કે પ્રક્રિયા યોજના મુજબ થઈ હતી. રજનીકાંત હવે સ્થિર અને સ્વસ્થ છે. તેઓ બે દિવસમાં ઘરે પહોંચી જશે.’વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન કરીને રજનીકાંતની તબિયત અંગે અપડેટ લીધી હતી.

તમિલનાડુ ભાજપના નેતા કે. અન્નામલાઈએ પીએમ મોદી સાથે રજનીકાંત અને તેમની પત્ની લતાનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણા સુપરસ્ટાર શ્રી રજનીકાંતજીના સ્વાસ્થ્ય અંગે શ્રીમતી લતા રજનીકાંત સાથે ટેલિફોન પર વાત કરી હતી.

માનનીય વડાપ્રધાનને સારવાર બાદ રજનીકાંતની તબિયત વિશે જાણ કરવામાં આવી હતી. વડાપ્રધાને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.’૭૩ વર્ષીય રજનીકાંત હવે તમિલ ફિલ્મ ‘વેટ્ટૈયાં’માં જોવા મળશે. આ ફિલ્મ ૧૦ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

જેમાં રજનીકાંત ૩૦ વર્ષ પછી બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પડદા પર જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં ફહાદ ફાઝીલ અને રાણા દગ્ગુબાતી જેવા કલાકારો જોવા મળશે. આ સિવાય રજનીકાંતે નિર્દેશક લોકેશ કનગરાજ સાથે તેની આગામી ફિલ્મ ‘કુલી’ પર પણ કામ શરૂ કરી દીધું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.