સાઉદી અને યુએઈમાં ભિખારીઓના અપમાન બાદ પાકિસ્તાને ઉઠાવ્યું આ પગલું!
નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત જેવા ખાડી દેશો પાકિસ્તાનને સતત ફરિયાદ કરી રહ્યા છે કે તેના નાગરિકો તેમના દેશોમાં આવીને ભીખ માંગે છે. આ ફરિયાદોથી પરેશાન પાકિસ્તાની સત્તાવાળાઓએ ભિખારીઓને રોકવા માટે પગલાં લીધાં છે.
પાકિસ્તાને ભિખારીઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમનો સામનો કરવો પડ્યો છે. મધ્ય પૂર્વના દેશો પાકિસ્તાનથી આવતા ભિખારીઓની સતત ફરિયાદો કરી રહ્યા છે, જેને જોતા હવે સત્તાવાળાઓએ મધ્ય પૂર્વમાં જતા પાકિસ્તાનીઓની સાવચેતીપૂર્વક તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ પાકિસ્તાની અખબાર ‘ડોન’ને જણાવ્યું કે વિદેશમાં ભીખ માંગવાના વલણને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એરપોર્ટ પરના ઈમિગ્રેશન સ્ટાફે છેલ્લા કેટલાક મહિનામાં ફ્લાઈટમાંથી ઘણા મુસાફરોને બહાર કાઢ્યા છે.
તેમણે કહ્યું કે ભિખારીઓ પ્રવાસીઓના વેશમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઈરાક, ઈરાન, ઓમાન અને તુર્કી જવા માટે આવે છે.પાકિસ્તાની અધિકારીઓએ પણ વિદેશમાં પાકિસ્તાની ભિખારીઓની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
એક ટોચના અધિકારીએ સેનેટની સ્થાયી સમિતિ ઓન ઓવરસીઝ પાકિસ્તાનીઓને જણાવ્યું કે વિદેશમાં ધરપકડ કરાયેલા ૯૦ ટકા ભિખારીઓ પાકિસ્તાની મૂળના છે.
આ વર્ષની શરૂઆતમાં સમિતિની અન્ય એક બેઠકમાં ગૃહ મંત્રાલયે દાવો કર્યાે હતો કે વિદેશમાં ભીખ માંગવાના શંકાસ્પદ ૪૪,૦૦૦ મુસાફરોને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને મધ્ય પૂર્વના દેશોમાં જતા અટકાવવામાં આવ્યા હતા.
ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સૂત્રોએ જણાવ્યું હતું કે ભિખારીઓની ‘ગેંગ’ મુખ્યત્વે દક્ષિણ પંજાબના જિલ્લાઓમાંથી કામ કરે છે, અને તેઓ ધાર્મિક પ્રવાસીઓના વેશમાં મુલતાન એરપોર્ટ દ્વારા વિદેશ જાય છે.
ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ગુજરાંવાલા એરિયા ડાયરેક્ટર કાદિર કમરે પણ કહ્યું હતું કે હવે એરપોર્ટ સ્ટાફ મુસાફરી દસ્તાવેજોની કડક તપાસ કરી રહ્યો છે અને નકલી અથવા શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા મુસાફરોને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
ટ્રાવેલ એજન્ટોના જણાવ્યા અનુસાર, યુએઈ સત્તાવાળાઓએ એવા પાકિસ્તાનીઓને પણ વિઝા આપવાનો ઇનકાર કરવાનું શરૂ કરી દીધું છે જેમની પાસે યુએઈમાં રહેવા માટે તેમના બેંક ખાતામાં પૂરતા પૈસા નથી.એક તરફ, પાકિસ્તાની અધિકારીઓએ તેમની તરફથી કાર્યવાહીનો દાવો કર્યાે છે, તો બીજી તરફ તેઓએ મધ્ય પૂર્વ અને ખાડી દેશોને પણ તેમની વિઝા પ્રણાલીને કડક બનાવવા કહ્યું છે.
ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંભવિત ભિખારીઓ, ગુનેગારો અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવા માટે પાકિસ્તાની સત્તાવાળાઓ પર દબાણ લાવવાને બદલે આ દેશોએ તેમની વિઝા પ્રોસેસિંગ સિસ્ટમ પર પણ ધ્યાન આપવું જોઈએ.એક ઉદાહરણ આપતા અધિકારીએ કહ્યું કે મોટાભાગના પશ્ચિમી દેશો વિઝા અરજી સાથે બેંક સ્ટેટમેન્ટ, પ્રોપર્ટી અને ટેક્સ દસ્તાવેજો માંગે છે જેથી કરીને ખાતરી કરી શકાય કે પ્રવાસી પાસે પોતાના દેશમાં રહેવા માટે પૂરતા સંસાધનો છે.SS1MS